વ્યારા: આજરોજ આપી જીલ્લાના આદિવાસી આગેવાનો એડ. જીમી પટેલ, અખિલભાઈ ચૌધરી, એડ. આરતી ભીલ, એડ. નીતિન પ્રધાન તેમજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા શંકર ફળિયાના બેઘર પરિવારોને કાયમી મકાન ફાળવી આપવા તેમજ પાયાની સુવિધાઓ વીજળી, પાણી, રસ્તાની વ્યવસ્થા તત્કાલિન કરવા માટે જીલ્લા કલેકટરને મોટી સંખ્યામાં પીડિતો સાથે હાજર રહી મુલાકાત કરી હતી.

સમગ્ર ઘટનામાં Slum Regulations & Rehabilitation act 2010 અંતર્ગત SRC કમિટીનું ગઠન કરવામાં આવતું હોય છે. આ બાબતે જીલ્લા કલેકટર અજાણ હોય તેઓએ એક અઠવાડિયામાં SRC કમિટીનુ ગઠન કરી શંકર ફળિયાના બેઘર પરિવારો એ SCR કમિટી ચેરમેન (કલેકટર) સમક્ષ કરેલી રજૂઆત ઊપર વધુ સકારાત્મક અભિગમ સાથે કાર્યવાહી કરવા માટે બાંહેધરી આપી છે. સાથે જ શંકર ફળિયા પાસેના મકાનો પાસેથી સ્ટ્રીટ લાઈટો કાઢી જવાની તેમજ રસ્તો બંધ‌ કરવા બાબતે જીલ્લા કલેકટરે તત્કાલ નિરાકરણ કરી આપવાની તેમજ ઘટના સ્થળે પીડિતોની મુલાકાત કરવા બાંહેધરી આપી છે.

વ્યારા નગરપાલિકા ના સત્તાધીશો પીડિત બેઘર પરિવારો ને મકાનના જુના વેરા ભરેલા દસ્તાવેજ સુદ્ધાં આપવામાં આનાકાની કરવાની ના પાડી રહેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે આવનાર દિવસોમાં નગરપાલિકાની લોકવિરોધી નીતિ સામે પ્રજાનો આક્રોશ નગરપાલિકા ના સત્તાધીશો સામે બહાર આવે તો નવાઈ નહીં, ડિમોલેશ થયેલા બેઘર પરિવારોને DGVCL વીજ બિલ પાઠવી રહ્યા છે. આ બાબતે DGVCL ની નીતિ સામે પણ જરૂરી રજુઆત થવાના એંધાણ છે.

હવે જોવાનું તે રહે છે કે એક અવાજ – એક મોર્ચા સાથે જોડાયેલા આ બેઘર પરિવારો ને કાયમી મકાન મેળવવાની લડત બાબતે પ્રશાસન શું રણનીતિ અપનાવે છે પરંતુ લોકચર્ચા મુજબ રોમેલ સુતરિયાની હાજરી બાદ શંકર ફળિયાના બેઘર પરિવારો જે ગભરાઈ ગયા હતા તેમનામાં હિમ્મત આવી છે અને પ્રશાસન સમક્ષ ન્યાયિક રજુઆતો કરી રહ્યા છે. રોમેલ સુતરિયાના કહેવા મુજબ વ્યારા નગરમાં સરકારી જમીનમાં વસવાટ કરતા દરેક પરિવારને મકાન કાયમી કરી આપવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા આપવા લડત ઉપાડવામાં આવી છે તેના પડઘા આવનાર દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડે તો નવાઈ નહીં.