તાપી: ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તેમ છતાં, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણા સ્વરૂપોમાં થાય છે. પ્લાસ્ટિકને કારણે થતી સમસ્યાઓને ઉજાગર કરવા અને લોકોને તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા દર વર્ષે 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ અભિયાન ઝીરો વેસ્ટ યુરોપ બેગ ફ્રી વર્લ્ડ દ્વારા સમગ્ર વિશ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. જે હવે વૈશ્વિક પહેલ બની ગયું છે. પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ઊજવવામાં આવે છે. વિજ્ઞાનનું આધુનિક સંશોધન પ્લાસ્ટિક માનવીના રોજિંદા જીવનનો એક ભાગ બન્યું છે. શરૂઆતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો માટે ફાયદાકારક રહ્યો પરંતુ સમયજતા પ્લાસ્ટિક પર્યાવરણમાં અસાધારણ બનવાનું કારણ બન્યું. પ્લાસ્ટિકને સંપૂર્ણપણે નષ્ટ થતા હજારો વર્ષો લાગે છે.

પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગ પર નિયંત્રણ લાવવા વર્ષ 2009 થી આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરીને લોકોને પ્લાસ્ટિકનો ન્યૂનતમ તથા નહિવત ઉપયોગ કરવા અંગે જાગૃત કરવામાં આવે છે. ભારતભરમાં વર્ષ 2014 માં સ્વચ્છ ભારત મિશનની રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે દેશમાં સ્વચ્છ ભારત મિશન એક જનાંદોલનમાં પરિણમ્યુ છે.