નર્મદા: એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2023નો પ્રારંભ થયો છે પણ  કરવામાં આવ્યો છે આ સમયે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકારની નવી શિક્ષણ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે

તેમનું કહેવું છે કે નવી શિક્ષણ નીતિ એવી છે કે 1 જુને જે બાળક 6 વર્ષ પૂર્ણ કરી 7માં વર્ષમાં પ્રવેશ કરે એને જ પેહલા ધોરણમાં પ્રવેશ મળે છે. સરકારની આ જ શિક્ષણ નીતિને લીધે ડેડીયાપાડા, સાગબારાની શાળાઓમાં ખુબ ઓછી સંખ્યામાં બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. આજે 5 વર્ષનું બાળક ઘરે બેસી રહી મોબાઈલ જોઈ પોતાનું મગજ બગાડે એના કરતા ભણે તો એનું ભવિષ્ય સારું બને. 5 વર્ષનું બાળક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય છે એટલે એમને પેહલા ધોરણમાં પ્રવેશ મળે એવી અમારી માગ છે. સરકાર નવી શિક્ષણ નીતિ મુદ્દે ફેરવિચાણા કરી એને રદ કરે એ જરૂરી બન્યું છે.

ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે અમે શાળા પ્રવેશોત્સવના સરકારના અભિગમની સરાહના કરીએ છીએ, અમને એનો કોઈ વિરોધ નથી. પણ એની સાથે સાથે સરકાર ડેડીયાપાડા, સાગબારા વિસ્તારની 21 શાળાઓ સહિત ગુજરાતની વિવિધ શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી કરે. જે શાળાઓમાં ઓરડા નથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસી અભ્યાસ કરે છે ત્યાં નવા ઓરડા પણ બનાવવા જોઈએ. આજે અધિકારીઓ કાગળ પર વિકાસના ઘોડાઓ દોડાવે છે અને જિલ્લાનું ફૂલગુલાબી ચિત્ર સરકારમાં રજૂ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમે નર્મદા જિલ્લામાં સ્વાગત કરીએ છીએ અમને કોઈ વિરોધ નથી, પરંતુ અમે એમની સાથે રૂબરૂ મુલાકાત કરી જિલ્લાની સ્થિતિથી વાકેફ કરવાના છે. નર્મદા જિલ્લામાં પ્રવાસી શિક્ષકોને ઓછો પગાર મળતો હતો અને એ પણ 5 મહિના સુધી પગારથી વંચિત રખાતા હોવાથી પ્રવાસી શિક્ષકો નોકરી છોડી જતાં રહ્યા છે.