વલસાડ: આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ધરમપુર નસિંગ કોલેજના સંચાલકોના એક પછી એક પોલ જગજાહેર થઇ રહ્યા છે ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે અગાઉ વિદ્યાર્થીઓના ઓરિજનલ પ્રમાણપત્રો ગેરકાયદેસર રીતે કબ્જે કર્યાના વિવાદમાં સપડાયેલી ધરમપુર નસિંગ કોલેજ જ બોગસ હોવાનો ઘટસ્ફોટ થતાં શૈક્ષણિક આલમમાં અને લોકોમાં હોબાળો મચી ગયો છે.

અગાઉ ધરમપુરમાં નર્સિંગ કોલેજ શરૂ કરી આદિવાસી વિદ્યાર્થીઓના અસલ પ્રમાણ પત્રો કબ્જે લઈ લીધા બાબતે ૪૪ જેટલા વિદ્યાર્થીઓએ ગત ૧૮ એપ્રિલના રોજ કોલેજ સંચાલકો વિરુદ્ધ કરેલ ફરિયાદ બાબતેની ગોકળગાય ગતિની તપાસથી પણ ફરિયાદી વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે ગુજરાત નસિંગ કાઉન્સીલે આ કોલેજો માન્યતા પ્રાપ્ત ન હોવાનું વિદ્યાર્થીઓને લેખીતમાં જણાવતા વિદ્યાર્થીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. અસલ પ્રમાણપત્રો મેળવવાની આસ સેવી રહેલ વિદ્યાર્થીઓ હવે હતાશ બન્યા છે.

ધરમપુરના વાલોડ ફળિયા ખાતે આવેલ શ્રીજી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી શ્રી મહાત્મા ગાંધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને શ્રી મહાત્મા ગાંધી પેરામેડીકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજ તેમજ ધરમપુરના હાથીખાના પર આદિજન ચેરીટેબલ ટ્રસ્ટ શેરીમાળ અંતર્ગત ચાલતી માનવ કલ્યાણ કોલેજનું ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ૨જીસ્ટર જ નથી. જેનો ખુલાસો થયા બાદ હવે આ કોલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓમાં પણ ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. તેમના ભવિષ્ય સાથે ચેડાં કરનારી આ કોલેજના સંચાલકો વિરૂદ્ધ હવે સ્થાનિકો પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યોછે.

આદિવાસી વિદ્યાર્થીઓના ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓએ સરકારના નામે નકલી માકશીટ અને પ્રમાણપત્રો બનાવનારાઓ સામે હજી સુધી ફરિયાદ નોંધાવી નથી ત્યારે કોલેજ સંચાલકોએ કરેલ આ કૌભાંડમાં સરકારી સંબંધિત તંત્રના અધિકારીઓ પણ બરાબરના ભાગીદાર હોવાની શંકા લકોને લાગી રહી છે.