વાંસદા: અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો તેમ ડાંગના સામાન લેવા ગયેલાં વાંસદાના બે યુવાનો જ્યારે પાછા ઘરે ફરી રહ્યા હતા ત્યારે બાઇક વૃક્ષ સાથે અથડાતાં ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ વાંસદાના વાટી ગામમાં રહેતાં 42 વર્ષના લક્ષુ ખાલપા ગાવીત બાઇક લઈ તેમના પાડોશી મોતીરામ વાળલ ગાવિત સાથે ઘરે ચાલતી નાની દુકાનનો સામાન લેવા માટે વઘઈ ગયા હતા. સામાન લીધા બાદ પાછા ઘરે ફરી રહ્યા હતા ત્યારે વઘઈ ઝાવડા રસ્તા પર વાટી જ ગામના ફાટક પાસે જામની માળ પટેલ ફળીયા પાસે લક્ષુભાઈએ બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાજુમાં વૃક્ષ બાઈક અથડાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં બંને બાઇક સવારને ગંભીર ઈજા થવા પામી હતી. બાઈક ચાલક લક્ષુભાઈને તો સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે પાછળ બેઠેલા મોતીરામ ગાવિત વઘઈ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.