સાપુતારા: દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવાના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ રાઘાકિષ્ણા, IFS ના માર્ગદર્શન હેઠળ વન વિભાગના કર્મચારીઓ ઘ્વારા શામગહાન રેંજ (સાપુતારા) ખાતે માસ મોબીલાઇઝેશન ફોર મિશન લાઇફ ઇન ગુજરાત-2023નું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમ અંતર્ગત વહેલી સવારે 07:30 કલાકે એમ.પી.થીયેટર, લેક ગાર્ડન સાપુતારા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, નાયબ વન સંરક્ષક દક્ષિણ શ્રી રવિ પ્રસાદ, (IFS) તથા સ્થાનીક ગ્રામજનો અને વિઘાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીઘો હતો. આ મિશનનો મુખ્ય હેતુ રોજીંદા જીવનમાં પર્યાવરણ યોગ્ય રીતે જળવાઇ રહે તે માટેના જરૂરી પગલા લેવા, અને લોકો પોતાના દૈનિક જીવનમાં તેને અનુસરે તે બાબતનો સરકારનો મિશન લાઇફનો ઉદેશ્ય સ્પષ્ટ કરવાનો હતો.

આ ઉદેશ્ય પર વઘુ પ્રકાશ ફેકતાં નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે ખુબ જ સુંદર મિશન લાઇફ જાગૃકતા માટે લોકોને સંબોઘન કર્યું હતું. ત્યાર બાદ શ્રી મંગળભાઇ ગાવિત, પ્રમુખશ્રી જિલ્લા પંચાયત આહવા, તેમજ શ્રી રવિ પ્રસાદ, IFS, નાયબ વન સંરક્ષકશ્રી દક્ષિણ ડાંગ આહવા ઘ્વારા પર્યાવરણ જાળવણી માટે આપણે કેવા પગલા લઇએ કે જેથી પર્યાવરણમાં સ્વચ્છતા જળવાઇ તથા પર્યાવરણ સમૃઘ્ઘ બને તે બાબતે લોકોને પ્રવચન ઘ્વારા માહિતી આપી અને મિશન લાઇફનો ઉદેશ્ય લોકોમાં વઘુમાં વઘુ ફેલાય તે બાબતે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં તમામ મહાનુભાવો ઘ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.