ધરમપુર: કથાકારશ્રી મોરારીબાપુ હંમેશા એમની કથામાં કહેતા હોય છે કે દરેક માણસે સેવા કરવા માટે છેવાડાના દબાયેલા કચડાયેલા માણસ સુધી પહોંચવું જોઈએ તેમના દુઃખમાં સથવારો આપી તેમના આંસુ લૂછી શકાય તો ઘણું છે. આવા જ કામની ખરી વંદના ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, રોટરી કલબ ઓફ સુરત- તાપી, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા તેમજ કાકાબા હોસ્પિટલ અંકલેશ્વરના સયુંકત ઉપક્રમે ધરમપુર તાલુકાના અંતરિયાળ ડુંગરાળ ગામોમાં આરોગ્ય સેવા ચાલી રહી છે.

આ સેવાની વાત કરીએ તો એક માતા સુકરીબેન તુલસીરામભાઈ આપણા શુક્રવારી કેમ્પમાં પોતાનું શારીરિક દુઃખ લઈને આવ્યા હતા, જેમનું કેવું હતું કે આ તકલીફ લઈ હું અનેક જગ્યાએ ફરી આવી છું. મારી પાસે પૈસા પણ નથી અને મારાથી કામ પણ નથી થતું જેથી મારું ગુજરાન પણ હું ચલાવી શકું એમ નથી આ બીમારી જોઈ ગામના લોકો પણ મારાથી છેટા રહે છે. બધા જ દવાખાને, બધા જ ભગત ભુવા કરીને હું થાકી ગઈ છું. આપ કંઈ સારવાર કરી શકો તો સારું પણ મારી પાસે પૈસા નથી.!

આપણા ટ્રસ્ટ દ્વારા કાકાબા હોસ્પિટલ અંકલેશ્વર ખાતે સારવાર અર્થે તારીખ 27/ 4/2023 ના રોજ કાકાબા હોસ્પિટલ અંકલેશ્વરમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ખુબ જ સરસ રીતે એમની સારવાર કરવામાં આવી હતી. સુકરીબેન આ થયેલી સારવારથી ખૂબ જ ખુશ છે. જ્યારે આપણે આવા કોઈક દુઃખી જનનના મુખ પર સ્મિત લાવી શકીએ ત્યારે વિશેષ આનંદની અનુભૂતિ થતી હોય છે. સેવાના સારથીઓને સુકરીબેન વતી વંદન અને વિશેષ વંદન કાકાબા હોસ્પિટલ અંકલેશ્વરને.