વલસાડ : ઘણા સમયથી આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તેનો હવે અંત આવ્યો છે. વલસાડ શહેરના ઘરેણા સમાન ગણાતી શ્રીમહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલયના નવા આધુનિક સંકુલને તા. ૧૩ મે ના રોજ સાંજે ૫ કલાકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જનતાને સમર્પિત કરશે. આ આધુનિક લાઈબ્રેરી 1,000 વાંચકોની ક્ષમતા ધરાવે છે. આજના ડિજિટલ યુગમાં પણ આજની પેઢીમાં પુસ્તક પ્રેમ જળવાઈ રહ્યો છે તેની પાછળ આ લાઈબ્રેરીનો ભવ્ય ભૂતકાળ છે અને અત્યાર સુધીની પેઢીએ કરેલું સિંચન આજે પણ અકબંધ છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વલસાડમાં ગાંધી પુસ્તકાલય નામે ઓળખાતી આ લાયબ્રેરીનું તા.૧૫ ઓગસ્ટ ૧૯૪૮નાં રોજ સાંજે ૬:૩૦ કલાકે ભાડાના મકાનમાં માજી પ્રમુખ જનાર્દન બી.દેસાઈનાં વરદ હસ્તે લોકાર્પણ થયુ હતુ. તે સમયે ભેટમાં મળેલા 1000 પુસ્તકોથી શરૂ થયેલી વલસાડ નગરપાલિકા સંચાલિત ગાંધી લાઈબ્રેરી વલસાડના લોકો માટે વાંચનનું માધ્યમ બની હતી. ત્યારબાદ તા.૨૬ જાન્યુઆરી ૧૯૫૭નાં રોજ “નવાં મકાનમાં” તે વખતના પ્રમુખ ડૉ.કેશવલાલ

હરજીવનદાસ મિસ્ત્રીનાં વરદ હસ્તે નવું સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે ૨૦૨૩માં નવા ડિજિટલ યુગમાં નગરપાલિકા દ્વારા તૈયાર થયેલી આ નવી લાઈબ્રેરીને અત્યારના સમયને અનુરૂપ ઓપ આપવામાં આવ્યો છે. અહીં દૈનિક અખબાર, સામાયિક વગરે પરંપરાગત વાંચન સામગ્રી તો ખરી જ પણ નવા પુસ્તકોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં રૂ. ૧ લાખના નવા ૬૦૦ પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. ત્યારબાદ દર વર્ષે ૫૦૦થી ૧૦૦૦ નવા પુસ્તકો ખરીદવામાં આવશે. હાલ ધાર્મિક, આદ્યાત્મિક, સાહિત્ય, કલા,સંસ્કૃતિ,નાટક, નવલકથા, વાર્તા અને સામાન્ય જ્ઞાન મળી કુલ ૨૬,૬૦૭ પુસ્તકો ઉપલબ્ધ છે.

પુસ્તકાલયના નવા આધુનિક સંકુલમાં કોન્ફરન્સ હોલ, ગ્રંથ ભંડાર સહિત જુદી જુદી વિશાળ બેઠક વ્યવસ્થા સહિત પાર્કિંગ, શૌચાલય સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકારી નોકરી માટે લેવાતી GPSC-UPSC સહિતની વિવિધ ર્સ્પધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી પુસ્તકો આ નવી લાઈબ્રેરીમાં ઉપલ્બ્ધ કરવા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે અહીં અલાયદી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધી જે રીતે વર્ષોથી ચાલતી પુસ્તકાલયની વિસ્તરણ પ્રવૃત્તિઓ જેવી કે સાહિત્ય ગોષ્ઠિ, સાહિત્ય વાર્તાલાપ,કવિ સંમેલન, પુસ્તક પ્રદર્શન અને બુધ સભા વગરે સતત આગળ પણ ચાલુ રહેશે અને વલસાડની વાંચન પ્રિય જનતા માટે નગરપાલિકા દ્વારા મળેલી આ એક અણમોલ ભેટ બની રહેશે.