વલસાડ: વેકેશનમાં હરવા ફરવાના સ્થળોએ વધુ ભીડ થતી હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ પી. શાહે તા. ૧૯ મે ૨૦૨૩ સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
Decision News મળેલી જાણકારી અનુસાર વલસાડ વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની, સ્ફોટક પદાર્થ લઈ જવાની, કોઈપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાની જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવુ ભાષણ કરવાની, તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવાની મનાઈ ફરમાવી છે.
આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાની ફરજ હોય કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઈપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોઈ તેવી વ્યક્તિ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિ અને સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તથા અભિયાનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯૫૧ના મુંબઈ પોલીસ અધિનિયમ (સને-૧૯૫૧ના ૨૨માં)ના કાયદાની કલમ-૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. જે માટે ફરિયાદ નોંધવા માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.