ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના વડપાડા ગામના મીરાબેન દિનેશભાઈ પટેલ ના દીકરા મિતેશભાઈ ના લગ્ન સુરત રહેવાસી નિર્મળાબેન મનજીભાઈ ની દીકરી જિગીષાબેન સાથે નક્કી થયાં હતાં. આ જાનમાં વરરાજા સહિત જાનૈયાઓ ધોડિયા આદિવાસી વાજિંત્ર તુરના તાલે શણગારેલા બળદગાડામાં વધોડો નીકળ્યો હતો. જેને પગલે લગ્નમાં આવનાર મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Decision News ના રિપોર્ટર મનીષ ધોડિયાના જણાવ્યા મુજબ વરરાજા અને દુલ્હને પણ સમાજના રીતરિવાજ મુજબ આદિવાસી પોશાક ધારણ કર્યો હતો. લગ્નની વિધિ પણ આદિવાસી સમાજ મુજબ કરવામાં આવી હતી. અને લગ્નમાં વારલી પ્રિન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અગાઉ ચીખલીના માણેકપોર ગામેથી બળદગાડામાં વરરાજાની જાન નીકળતા લોકોએ વખાણી હતી હવે જૂની પરંપરા મુજબ લગ્ન અને અન્ય વિધિ આદિવાસી સમાજની પરંપરા મુજબ કરાતા સંસ્કૃતિ ટકાવવાના પ્રયાસ બદલ વરરાજા મિતેષભાઈ અને દુલ્હન જિગીષાબેન ને લોકોએ આશિષ પણ આપ્યા હતા.
આજના આધુનિક યુગમાં લોકો જ્યારે સ્માર્ટ બનીને પોતાની સંસ્કૃતિ ભૂલી રહયા છે ત્યારે યુવાઓએ પોતાની અસલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરીને એનું જતન કરવાનું બીડું ઝડપ્યું છે. વરરાજા મિતેષભાઈ અને વરવધુ જિગીષાબેનને આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવાના પ્રયાસને લોકોએ બિરદાવ્યા હતા.

