નવસારી: કાળઝાળ ગરમી હાલમાં પડી રહી છે જેના કારણે સો કોઈ ત્રસ્ત છે ત્યારે ગરમીના ઊંચા જતા પારાને કારણે નવસારીના કાલિયા વાડીથી ગ્રીન રોડ જતા નવનિર્મિત રોડનો ડામર પણ પીગળી ગયો હતો. જેને કારણે ટુવ્હીલર અને પગપાળા જતા લોકોને સાવચેતી પૂર્વક ત્યાંથી પસાર થવાની ફરજ પડી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારીના કાલિયા વાડીમાં  જે રોડ બનાવવામાં આવ્યો હતો તેના ઉપર ડામર પાથરીને ડસ્ટ નાખવામાં આવી હતી પરંતુ ડસ્ટનું કોટિંગ યોગ્ય રીતે ન થતાં નવનિર્મિત માર્ગ પર નખાયેલું ડામરનું પડ પીગળી ગયું હતું. જેથી વાહનચાલકોને સાચવીને વાહન હાકવાની ફરજ પડી હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, ડસ્ટ ઓછી પડી એટલે આવું થયું. આવતીકાલે ડસ્ટ નાખી આ સમસ્યા હલ કરવામાં આવશે.

આ રોડ શહેરને હાઈવે સાથે જોડે છે જેથી તેની ગુણવત્તાને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા નવનિર્મિત યોગ્ય રીતે ડસ્ટિંગ થયું હોત તો આ પ્રશ્નો ઉપસ્થિત થયો ના હોત તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ગરમી વધુ છે કે રોડ હલકી ગુણવત્તા વાળો બન્યો છે તે તપાસનો વિષય છે.