વલસાડ: 50 થી 70 વર્ષ જુના થઇ ગયેલા વલસાડમાં આંબાનું વાવેતરની ઉત્પાદન ક્ષમતા ખુબ જ ઝડપથી ઘટતી રહે છે. આવી ખુબ જ જુની, મોટા ઝાડ ધરાવતી વાડીઓમાં નવિનીકરણ પધ્ધતિનો ઉપયોગ કરવાથી ઝાડની ઉત્પાદન ક્ષમતામાં વધારો જોવા મળે છે. આવા મોટા આંબાઝાડને સંપુર્ણપણે છટણી કરવાની પધ્ધતિને નવીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે.

મે-જુન માસમાં ફળ ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછીનો સમયગાળો નવીનીકરણ માટે ખૂબજ ઉપયોગી છે. સામાન્ય રીતે આંબાવાડીના નવીનીકરણની પધ્ધતિમાં મુખ્યત્વે જયાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે એવી ડાળીઓને છેક નીચેથી સંપુર્ણ રીતે કાપવામાં આવે છે. આંબાઝાડની ૩ થી ૪ મીટર ઉચાઈએ છટણી કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ અને ઝાડના વિકાસને ધ્યાનમાં રાખી આંબાઝાડને ઓકટોબર – નવેમ્બર માસમાં છત્રી આકારે છટણી કરવા ભલામણ કરવામાં આવે છે.

છટણી કર્યા બાદ તુરંત કાપેલ ડાળી પર ફૂગ નાશક દવા કોપર ઓકસીકલોરાઈડ અથવા બોર્ડોપેસ્ટ લગાવવી ખૂબજ જરૂરી છે. છટણી કર્યા બાદ આંબાવાડીમાં ઉડી ખેડ કરી હળવુ પિયત આપવુ.જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જયારે નવી પિલવણી નીકળવા માડે ત્યારે ઝાડ દીઠ ૧.૨૫ કિલો યુરીયા સાથે ૧૦૦ કિલો છાણિયુ ખાતર આપવુ. જૂન માસમાં ચોમાસા દરમ્યાન કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતરો આપવા. નવી ફૂટેલ કુંપણોમાંથી જુસ્સાવાળી ડાળી અને રોગ મુકત ચાર થી પાંચ ડાળીઓ બધી દિશાઓ તરફ્ની મળીને પસંદ કરીને ઝાડનો સમતોલ આકાર આપી શકાશે.