શાળાની શૈક્ષણિક પ્રવ્રુતિની સાથે સાથે બાહ્ય પ્રવ્રુતિઓમા પણ અગ્રેસર રહી 78.78 ટકા સાથે ગુણોત્સવ 2.0 માં એ ગ્રેડ મેળવનારી ડાંગ જિલ્લાની છેક છેવાડે આવેલી બિલિઆંબાની પ્રાથમીક શાળાએ, અનેક ઇનામ અકરામ જીતી વિદ્યાર્થીઓ અને વાલીઓના દિલ જીતી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મેળવ્યા છે.

સ્કુલ ઓફ એક્સલંસ ક્ષેત્રે મેરીટ સર્ટિફિકેટ મેળવનારી આ શાળાએ સ્થળાંતરના પ્રશ્ન સામે ઝઝુમી રહેલા સરહદી વિસ્તારમા સરેરાશ 92  થી 94  ટકા હાજરી સાથે વાંચન-ગણન અને લેખનમા 94.97 ટકા સાથે પારંગતતા હાંસલ કરી છે. આ શાળાના 99  ટકા બાળકોએ 40 ટકા કરતા વધુ અધ્યયન નિશ્પતિ સિદ્ધ કરી છે. તો 57  ટકા બાળકોએ 80 ટકા કરતા વધુ નિશ્પતિ સિદ્ધ કરી છે. બિલિઆંબા ગામની આ પ્રાથમિક શાળાએ સ્કુલ ઓફ એક્સલંસ ઉપરાંત ગત વર્ષ ૨૦૨૨ ની IGBC ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામા પણ દેશભરની પ્રાથમિક શાળાઓમા પ્રથમ નંબર હાંસલ કરી ડાંગ અને ગુજરાતનુ માન વધાર્યુ છે.

આ શાળાના એવોર્ડ ની વાત કરીએ તો 2003-04 મા આ શાળાને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શ્રેસ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો હતો. તો 2007-08મા જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન અને GCERT દ્વારા શાળા ગુણવત્તા એવોર્ડ મળવા પામ્યો હતો.2016-17 મા જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન અને GCERT દ્વારા શાળા સ્વછતા એવોર્ડ ઉપરાંત સને 2017-18 અને સને 2022 -23 મા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વચ્છ વિધ્યાલય પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત નેશનલ સ્કુલ ગેમ્સમાં આ શાળાએ અંડર-૧૪ (ભાઈઓ/બહેનો) ની ખો ખો રમતમાં સ્ટેટ લેવલે ઉત્કૃસ્ઠ દેખાવ કરતા અનેક મેડલ્સ શાળાને અપાવ્યા છે. તો ખેલ મહાકુંભમાં પણ ખો ખોની રમતમાં આ શાળાના બાળકોએ ડાંગનો ડંકો વગાડયો છે. NMMS/PSE EXAMS માં પણ અહીના બાળકોએ તેમનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા છે.

અત્યાર સુધી બિલિઆંબા શાળાના ૬૧ થી વધુ બાળકોએ ગુજરાતની રાજ્ય કક્ષાની ખો ખો ટીમમાં પસંદગી પામી તેમના કૌશલ્યને પ્રદર્શિત કર્યુ છે. ૧૩ વર્ગખંડો ધરાવતી બિલિઆંબા પ્રાથમિક શાળા ખાતે ૧ કોમ્પ્યુટર લેબ, ૧ વિજ્ઞાન ખંડ, ૧ ભાષા કોર્નર, ૧ સામાજિક વિજ્ઞાન ખંડ, ૧ ગુગલ કલાસ રૂમ, ૨ સ્માર્ટ કલાસ રૂમ, ૨ રમતગમતના મેદાનો જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળાના વિદ્યાર્થીઓને પ્રાર્થના, યોગ, ઘડિયા ગાન, રમતગમત, ઇકો કલબની પ્રવૃતિ, કિચન ગાર્ડન, બાગ કામ, રાસ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી, સાંસ્ક્રુતિક કાર્યક્ર્મો, વાલી દિન, પ્રોજેકટ પધ્ધતિ, મુલાકાત પધ્ધતિ, પર્યાવરણ અને સ્વચ્છતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત વધારાના વાંચન, લેખન અને ગણનના વર્ગોનો લાભ આપવામાં આવે છે.

ધોરણ-1 થી 8 ની આ શાળામાં ડાંગ સહિત પાડોશી તાપી જિલ્લાના બાળકો પણ અભ્યાસ કરી રહયાં છે. અંહી ૩૬૦ બાળકો ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવુ ગુણવક્તાયુક્ત શિક્ષણ મેળવી રહયા છે.  બિલિઆંબા સહિત આસપાસના ૧૮ ગામોના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપતી આ શાળામાંથી અભ્યાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓ ડોકટર અને એન્જિનિયરો થયા. તો કેટલાક PTC, B.ed, નર્સિંગ અને કોલેજ કક્ષાએ પણ અભ્યાસ અર્થે ગયા છે.

બિલિઆંબા શાળામાં શાળાના બાળકો માટે રમતગમતનું મેદાન હોય કે, કિચન ગાર્ડન માટેનું નાનકડુ ખેતર. અહી સૌએ સાથે મળીને તેમની જરૂરિયાત અનુસારની સુવિધા ઊભી કરી છે. મુખ્ય શિક્ષક શ્રી વિમલ ગામીતે જણાવ્યું હતું કે, શાળાના એક એક શિક્ષક જ નહીં તેમના પરિવારજનોએ પણ પોતાની શાળાને લાગણી અને પ્રસ્વેદથી સીંચી છે. ભૌતિક સુવિધાઓના વિકાસની વાત હોય કે સમગ્ર શાળાના ભાવાવરણની વાત હોય, શાળા પરિવાર રાતદિવસ જોયા વિના શાળા અને શિક્ષણના વિકાસ માટે તૈયાર હોય છે. જેમાં SMC ના સભ્યો અને ગ્રામજનો પણ ખભેખભા મિલાવીને સાથ, સહકાર અને સેવા આપે છે. છેક છેવાડેના દૂરદરાજ વિસ્તારની શાળાની સિદ્ધિ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવે તે સૌના માટે ઉદાહરણીય છે