વાંસદા: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પીપલખેડ સબ ડિવિઝન દ્વારા વાંસદાના ગામોમાં ‘કુટીર જ્યોત યોજના’ને લઈને છેલ્લા એક વર્ષમાં બી.પી.એલ. ગરીબ લાભાર્થીઓના 183 કુટુંબોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નવસારીના માહિતી વિભાગના અહેવાલ મુજબ રાજ્ય સરકારની કુટીર જ્યોત યોજના હેઠળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પીપલખેડ સબ ડિવિઝન દ્વારા કુટીર જ્યોત યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં બી.પી.એલ. લાભાર્થી-પરિવારો તથા અન્ય ગરીબ લાભાર્થીઓ તેવા 183 કુટુંબોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવ્યા છે.
પીપલખેડ સબ ડિવિઝન નાયબ ઈજનેર શ્રી ડી.જે.ગાવિતનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બી.પી.એલ. પરિવારોને વધારે વીજ જોડાણ વિનામૂલ્યે મળી રહે તે માટે વીજ કંપની સદા કાર્યશીલ છે. હયાત વીજ લાઈનથી ૩૦ મીટરના અંતરે કુટીર જ્યોત યોજના અંતર્ગત વિનામૂલ્યે સીંગલ ફેઇઝ વીજ જોડાણ આપવામાં આવે છે. જેની કચેરી-કાર્યવાહી સરળ અને ત્વરિત રીતે હાથ ધરવામાં આવે છે અને લોકોના ઘરમાં અજવાળું પાથરવામાં આવે છે.

