ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટી પર ખુલ્લો આક્ષેપ કર્યો છે અને ટ્વિટ કરીને કહ્યું હતું કે પાર્ટી મને દબાવવાનું કામ કરે છે. હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું. પાર્ટી માટે લડું છું પણ પાર્ટી મને દબાવે છે. તેવી નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ અને મારા વિરોધીઓ આ ડિબેટ બંધ રહેવાથી ગેલમાં આવી ગયા છે તથા મારા વિરોધીઓ મારા માટે અલગ અલગ પ્રકારની કમેન્ટ કરે છે તેની મને જરા પણ ચિંતા નથી સમય આવતા તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. પરંતુ નર્મદા જિલ્લાની ધરતી પર આવી જે ધારાસભ્યો અને સંસદ સભ્યોને ચપરાસી કહ્યા, નિમ્ન કક્ષાના શબ્દપ્રયોગ કર્યાં, સરકાર પર પ્રહાર કર્યો આનો જવાબ આમ આદમી પાર્ટીના નેતાઓ ને આ ક્ષેત્રના ધારાસભ્યઓ એ તથા આગેવાનોએ આપવો જોઇતો હતો પરંતુ કોઈએ હિંમત બતાવી નથી.

મેં પાર્ટી માટે ઘસાતું બોલનારાઓને,મારા ધારાસભ્યો- સંસદ સભ્યો ને ચપરાસી કહેનારાઓને મેં હિંમતપૂર્વક ભાજપનું સન્માન જળવાઈ તે રીતમાં જવાબ આપ્યો છે. આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી. ભૂતકાળમાં પણ જેણે મારી ઈતિહાસ જોવો હોય તો જોઈ શકે છે જ્યારે જ્યારે પાર્ટી કે સરકારના વિરોધમાં પ્રહાર કર્યાં હોય ત્યારે મેં જડબાતોડ જવાબ આપ્યા છે. પરંતુ ધારાસભ્ય સંસદ સભ્યોના વિરોધમાં બેંફામ બોલે છે તેવા લોકોની સામે હું બોલ્યો છું તેના માટે પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાબવાવામાં આવે છે. તેનુ ભારે દુખ છે.આ લડાઈ મારી અંગત નથી સરકાર અને ધારાસભ્યો ના સન્માન માટે હું લડુ છુ.