ધરમપુર : નાણા,ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધરમપુરનાં બિલપૂડી ખાતે રૂ.૧૫ લાખના ખર્ચે નવા નિર્માણ કરાયેલા ગ્રામ સેવા સભા,ધરમપુર દ્વારા સંચાલિત વન સેવા મહાવિદ્યાલય (બી. આર. એસ. કોલેજ)ના રૂ.૧૫ લાખના ખર્ચે બનેલા બે ઓરડાનું લોકાર્પણ અને રૂ.૫૦ લાખના ખર્ચે નવા બનનારા પાંચ ઓરડાઓના કામનું ભૂમિપૂજન સાંસદ ડૉ. કે.સી પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ અને કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં કર્યું હતું.
આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ સંસ્થાના પ્રમુખને મહાવિદ્યાલયના વિકાસમાં સારી કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિસ્તારોમાં નવી આશ્રમશાળાઓ, આશ્રમશાળાઓ નું નવીનીકરણ અને બીજી અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ મહાવિદ્યાલય દ્વારા શિક્ષણ પૂરું પાડી આ સંસ્થા સારું કામ કરી રહી છે આ કામમાં સરકાર પણ સંસ્થાને શ્રેષ્ઠ સ્થાને લઇ જવા દરેક ક્ષેત્રે સાથ આપશે. આ સંસ્થાના વિકાસ કાર્ય માટે હું નિમિત્ત માત્ર છું. પ્રાકૃતિક ખેતી ભવિષ્યનો સૌથી સારો વિકલ્પ છે ત્યારે આ સંસ્થા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉચ્ચ કામ કરે તેવી શુભકામના પાઠવું છું.
ગણદેવી, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યોએ પ્રાસંગિક ઉદબોધનમાં આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કામગીરી કરી રહેલી ગ્રામ સેવા સભાના સંસ્થાપક સ્વ.નાનુભાઈ દેસાઈના આ ઉત્તમ કાર્યને બિરદાવ્યું હતું.તેમજ સંસ્થા હજી પણ વધુ પ્રગતિ કરી સેવા કાર્ય કરતી રહે એવી શુભકામના પાઠવી હતી. સંસ્થાના પ્રમુખ અને કપરાડાના માજી ધારાસભ્ય માધોભાઈ રાઉતે સંસ્થાના નવીનીકરણ માટે ન્યુ ગુજરાત પેટર્ન ૧૦ ટકા રાજ્ય કક્ષા યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવા બદલ મંત્રીશ્રી અને પૂર્વમંત્રીશ્રીઓ સહિત દરેક સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંસ્થાને ઉચ્ચ સ્થાને લઈ જવા સરકાર દરેક રીતે સાથ આપશે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
રૂ.૧૫ લાખના ખર્ચે બે ઓરડા બનીને તૈયાર છે, રૂ. ૫૦ લાખના ખર્ચે નવા પાંચ ઓરડા બનશે

