આહવા: રાજ્યના ધરતીપુત્રો બાગાયતી પાકો તરફ વળી, આર્થિક રીતે પગભર બની શકે તે માટે અમલી રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગની બાગાયતી પાકોના વાવેતર અને સાધન ખરીદીમાં સહાય આપતી યોજના અંતર્ગત, ડાંગ જિલ્લાએ છેલ્લા સો દિવસોમાં નિયત કરાયેલા લક્ષ્યાંક કરતાં વધુ લાભ પહોંચાડીને ૩૮૧ ટકા સિદ્ધિ હાંસલ કરી છે.
ડાંગ જિલ્લાના બાગાયત વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ‘બાગાયતી યાંત્રિકરણ (પાવર વિડર)’ યોજના અંતર્ગત વઘઇ તાલુકાનાં ચિકાર (રંભાસ સેજા)ના લાભાર્થી શ્રી જીવણભાઈ નાનુભાઈ રાઉતે, તેમને મળેલી સહાય બદલ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ખેતીમાં નીંદામણ, ગોડકામ વિગેરે માટે મજૂરીમાં ઘણા નાણાં વપરાતા. જે હવે આ મશીન આવ્યેથી બચાવી શકાય છે. આમ, ખેતી ખર્ચમાં ઘટાડો કરતી આ યોજના તેમને ફળી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ખેતી કામને સરળ અને ઝડપી બનાવતી આ યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના બાગાયત વિભાગે લક્ષપૂર્તિ કરી ગ્રામીણ ખેડૂતને આત્મનિર્ભર બનાવ્યો છે.
ખેતરે ખેતરે હરિયાળી લાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટેની સહાય યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ યોજના, પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન-જીવામૃત સહાય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, કૃષિ યાંત્રિકીકરણ સહાય, એસ.સી. અને એસ.ટી. સિવાયના ખેડૂતો માટેની એ.જી.આર-૨ (કૃષિ યાંત્રિકીકરણ) યોજના, એસ.ટી. ખેડૂતો માટેની એ.જી.આર-૩ (કૃષિ યાંત્રિકીકરણ) યોજના, એસ.સી.ખેડૂતો માટેની એ.જી.આર-૪ (કૃષિ યાંત્રિકીકરણ) યોજના, એ.જી.આર-૫૦ યોજના, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના, કિસાન પરિવહન યોજના, આત્મા યોજના, ટેકાના ભાવની ખરીદી યોજના, અને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના જેવી અનેકવિધ યોજનાઓ રાજયના ખેડૂતો માટે અમલી બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું સ્પસ્ટપણે માનવું છે કે, કોઈ પણ રાજયના વિકાસનો ખરો માપદંડ, અંતરિયાળ વિસ્તારોમાં વસતા માનવી સુધી વિકાસના સુફળ પહોંચે તે જ છે. લોકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડીને તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે. જેનો લાભ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતને પણ મળવા પામ્યો છે.
સો દિવસના લક્ષ્યાંક અને સિદ્ધિની વાત કરીએ તો ડાંગ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ‘બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા નવા વાવેતર/સાધનો ખરીદી કરવા માટેની યોજના’ અંતર્ગત ડાંગ જિલ્લાના ૨૭ લાભાર્થીઓને લક્ષ્યાંક સામે ૧૦૩ લાભાર્થીઓને લાભન્વિત કરીને ૩૮૧.૪૮ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

