છોટાઉદેપુર: આજરોજ ઝોઝ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થયેલા એક વ્યક્તિને જામીન પર છોડવા તેની પાસે પોલીસ કર્મચારી પરબસિંગ નારસિંગ રાઠવા એ 10,000 ની માંગણી કરી હતી જે અંગે એક જાગૃત નાગરિકે છોટાઉદેપુર એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીને સંપર્ક કરતા તેઓએ છટકું ગોઠવી પોલીસ કર્મચારી પરબસિંગ રાઠવાને આજે બપોરે ઝોઝ પોલીસ સ્ટેશનમાં રૂ. 10,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનમાં કલમ 135 તથા અન્ય ગુનામાં ધરપકડ થયેલા એક વ્યક્તિ ને જામીન આપવાના મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પરબસિંગ નારસિંગ રાઠવા એ ₹10,000 ની લાંચની માંગણી કરી હતી જે અંગે આરોપીએ તેમના સંબંધીને જાણ કરતા સંબંધીએ એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.

વડોદરા એન્ટીકરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાની સુચનાથી છોટાઉદેપુર એન્ટીકરપ્શન વિભાગના એમ.કે. સ્વામી તથા સ્ટાફે જાગૃત નાગરિક ના સાળા પાસેથી ₹10,000 ની લાંચની માંગણી કરનાર પરબસિંગ નારસિંગ રાઠવા ને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જેમાં આજે બપોરે 1:00 વાગ્યાના સુમારે જાગૃત નાગરિક દ્વારા પોલીસ કર્મચારી પરબસિંગ નારસિંગ રાઠવા ને ₹10,000 ની લાંચ આપી હતી અને તે લાંચની રકમ પોલીસ કર્મચારીએ પોતાના ટેબલના ડ્રોવરમાં પૈસા મૂક્યા હતા. જે બાદ એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈ પોલીસ કોન્સ્ટેબલ પરબસિંગ નર્સિંગ રાઠવાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.