નસવાડી: આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં નસવાડી તાલુકાના કુકરદા ગામના 40 વિથાર્થીઓ 5 કી.મી કાચા અને પથરાળ વિસ્તારમાંથી નાના નાના માસુમ બાળકો ઉઘાડા પગે માકડાઆંબા ગામની શાળામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરદા ગામ નસવાડી તાલુકાનું સૌથી મોટુ ગામ છે. આ ગામની 3000 જેટલી વસ્તી છે. કુકરદા ગામની ડુંગરની હાળમાળામાં વસતા અહીંના આદિવાસીઓને આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા હજુ સુધી આપવામાં આવી નથી. કુકરદા ગામમાં ટેકરા ફળિયું. ખાંડીયાબાર.ઓરબાર. માજાબાર વાંકી કડાઈ. સિમાડુ.કુંડી.બુધાકુંડી જેવા બાર ફળિયાઓ આવેલા છે. આ ગામની નવાઈની વાત તો એ જોવા મળે કે એક ફળીયાને બીજા ફળીયા સાથે જોડતો એકેય પાકો રસ્તો નથી.કાચા રસ્તેથી જ લોકો અવર જવર કરી રહ્યા છે. કુકરદાના 40 વિદ્યાર્થીઓ 5 કિમીના કાચા રસ્તેથી શાળાએ કુકરદાથી માંકડાઆંબા ગામનો રોડ ન બનતાં ઉઘાડાપગે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જઈ રહ્યા છે.
કુકરદા ગામથી માંકડાઆંબા તરફ જવાનો અંદાજિત 5 કિલોમીટરનો કાચો રસ્તો પાકો બન્યો નથી. કુકરદા ગામનું મતદાન મથક આ કાચા રસ્તે આવ્યું હોવા છતાંય પાકો રોડ મતદાન મથક સુધીનો નથી બન્યો. ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ શું કરતું હશે તેવા પ્રશ્નો ઉઠ્યા છે. કુકરદા ગામમાં શાળા આવેલ છે, પરંતુ વાંકી કડાઈ કુંડી ફળિયાના બાળકો માંકડાઆંબા ગામે આવેલ શાળામાં શિક્ષણ મેળવવા જાય છે. અનેક વાર ગ્રામજનોએ રજૂઆત કરી છે છતાંય પાકો રસ્તો બનતો નથી. ફક્ત વાયદા કરાય છે. સગર્ભાઓને પ્રસૂતિને લઈ ફરજિયાત ઉંચકીને પાકા રોડ સુધી લઈ જવી પડે છે. 108 પણ કાચા રસ્તાને લઈ ગામમાં આવતી નથી. છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી. ગામ લોકોની માંગ છે કે આ રસ્તો બનાવી આપવામાં આવે.

