આહવા: તા:18 માર્ચ ના રોજ સાપુતારા સ્થિત હોટલ તોરણના કોન્ફરન્સમા યોજાયેલી સ્થાનિક પ્રશ્નોના નિકાલ બાબતની રીવ્યુ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગ એ પ્રશ્નોના નિરાકરણમા નાનામોટા દરેક પ્રશ્નોનુ નિરાકરણ આવી ગયુ હોવાનુ જણાવ્યુ હતુ, તેમજ બેઠક સમિતિના સભ્યો દ્વારા સૂચવેલ પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરવા પ્રાંત અધિકારીશ્રીને સૂચનો કર્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ બેઠકમા ઉપસ્થિત રહેલા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, સ્થાનિક પ્રશ્નોના નિવારણ અંગેની રીવ્યુ બેઠકમા બાકી કામો અંગે સૌને સત્વરે કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી.
રહેણાકના પ્લોટ ધારક તરીકે ઉપસ્થિત રહેલા શ્રીમતી રમીલાબેન પુરોહિતે સાપુતારામા બેઠકોની નિયમિતતા, સ્ટ્રીટ લાઈટો, ઢોરોને દૂર રાખવા તથા ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા બાબતે વધુ જાગૃતિ દાખવવાની અપીલ કરી હતી.
હોટલ ઓનર્સ એસોશિએસનના સેક્રેટરી શ્રી તુકારામભાઈ કરડીલેએ, સાપુતારા ઘાટ માર્ગમા અકસ્માત નિવારણ, વૃક્ષારોપણ, પ્રવાસનને વેગ મળે તે માટેની વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્રને સૂચનો કર્યા હતા.
બેઠકની કાર્યવાહી સંભાળતા નોટિફાઇડ એરિયા કચેરીના ચીફ ઓફિસર-વ-નાયબ કલેક્ટર શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણે તા.4/2/2022ના રોજ યોજાયેલ બેઠકના મુદ્દાઓના પ્રશ્નો અંગે રીવ્યુ સમિક્ષા હાથ ધરી હતી.
બેઠકમા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને સ્પર્શતા પ્રશ્નો સહિત વીજ કંપનીના પ્રશ્નો, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇ વે ઓથોરિટી, પોલીસ તંત્ર ઉપરાંત સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતોની ઘટના, ગિરિમથકની ગ્રીનરી માટે વધુ વૃક્ષોનું વાવેતર, બાગ બગીચાઓની જાળવણી, રાજ્ય તથા નેશનલ હાઇ વે ના માર્ગો સહિત આંતરિક રસ્તાઓની મરામત, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી, ઉપરાંત સ્વછતા જેવા મુદ્દે રીવ્યુ બેઠક યોજવામા આવી હતી.

