વાપી: વલસાડના વાપી રેલવે સ્ટેશન યાર્ડ પાસે “મા જનમ ટ્રસ્ટ” દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ બપોર અને રાત્રે ગરીબ જરૂરિયાતમંદોને વિના મૂલ્ય ભોજન વિતરણ કરવામાં આવે છે. મંગળવારે હોળીના પર્વ નિમિત્તે વિશેષ મિષ્ઠાન યુક્ત ભોજન દાતાઓના સહયોગથી કરાવવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વાપી રેલવે સ્ટેશનના પૂર્વમાં યાર્ડ પાસે “મા જનમ ટ્રસ્ટ” દ્વારા કોરોના કાળથી વિનામૂલ્યે ભુખ્યાને ભોજનની શરૂઆત કરવામાં આવી હતી. આ યજ્ઞને ટ્રસ્ટ દ્વારા કાયમી કરી દેવાયું છે. વાપી ઉદ્યોગ નગર છે અને અહીં એક જ નગરમાં બે લાખ જેટલી ગીચ વસ્તી છે. અહીં બહારથી નોકરી ધંધાર્થે આવતા અનેક લોકો રોજના અવરજવર કરે છે. ભિક્ષુકોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. આ ગરીબ અને ભૂખ્યા લોકોને ભૂખા ન સુવું પડે તે માટે મા જનમ ટ્રસ્ટ બપોર તથા રાત્રે બંને સમયે વિનામૂલ્ય ભોજન પીરસે છે.

ટ્રસ્ટના સભ્યો દાતાઓના સહયોગથી આ ભોજન યજ્ઞને દરરોજ હરિહરના નાદથી શરૂ કરે છે અને અંદાજે 700 થી વધુ લોકો આ વિના મૂલ્ય ભોજનનો લાભ લે છે. તહેવારોના દિવસે ટ્રસ્ટ તરફથી ભોજનની સાથે મિષ્ઠાન પણ પીરસવામાં આવે છે. મંગળવારે હોળી પર્વ નિમિત્તે પણ ભોજન સાથે મિષ્ઠાન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત પૂજ્ય કપિલ સ્વામી, પુજય રામ સ્વામી ટ્રસ્ટના સભ્ય અરુણભાઈ ભંડારી, રેખાબેન ભંડારી, મનોજભાઈ જયસ્વાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભૂખ્યાઓને ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય કપિલ સ્વામીજીએ આ યજ્ઞને ચાલુ રાખવા માટે દાતાઓને ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી.