ડાંગ : ગુજરાત રાજ્ય તેના વૈવિધ્ય સભર કલાવારસો વિવિધ સંસ્કૃતિ સાથે આઝાદી ઈતિહાસના લડવૈયાઓની ભૂમિ રહી ચુકી છે. રાજા રજવાડા અને તેની ભાતીગળ સંસ્કૃતિ માટે દેશવિદેશમાં ખુબજ અગ્રેસર છે, અઢળક નદીઓની ધારા અને ઊંચા પર્વતોની ધરા સાથે પ્રાકૃતિક સૌન્દ્રયથી ભરપુર એવા ગુજરાત રાજ્યની વાતજ અનોખી છે, ગુજરાતની અંદર ઘણા પ્રચલિત મેળાઓ ભરાય છે, જે વિવિધ રીતરીવાજ અને ચીજવસ્તુઓ માટે પ્રચલિત છે, પણ શું તમે એવા મેળા વિશે જાણો છો? જે ખુબજ અલગ છે? તેની વિવિધ સંસ્કૃતિ અને વર્ષોપુરાણી પ્રથા માટે ખુબજ પ્રચલિત છે, અને તેનું મહત્વ પણ ખુબજ છે.

Decision Newsને TR કામડી દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં આવેલું “ડાંગ” જે મીની સ્વિત્ઝરલેન્ડ તરીકે ઓળખાય છે. જેને પ્રકૃતિએ સ્વયં પોતાના અઢળક પ્રાકૃતિક આશીર્વાદથી તેની સુંદરતાને તરબોળ કરી છે, ડાંગના આદિવાસી સમુદાય આખું વર્ષ તનતોડ મેહનત મજુરી કરી જે તેહવાર ની આતુરતાથી રાહ જોતા હોય તો એ તેહવાર છે “હોળી” હોળી આદિવાસી સમુદાયનો મુખ્ય તેહવાર છે, અને એમાં પણ ડાંગની હોળી અને ડાંગનો ડાંગદરબારનો મેળો દેશવિદેશમા ખુબજ પ્રચલિત પણ છે, અને શા માટે ના હોય? ડાંગનો આ દરબાર ગુજરાતનાં તમામ મેળાઓ કરતા વિશેષ તરી આવે છે, કારણકે ડાંગનો આ મેળો, મેળા જેવો તો હોઈ છે, પરંતુ અહિયાં મેળા સાથે આદિવાસી કલાનૃત્ય અને સંસ્કૃતિને વિદેશોમાં થતા કાર્નિવલની જેમ ઉજવવામાં આવે છે, ડાંગદરબારનું મુખ્ય આકર્ષણ અહીના રાજાઓને મળતું “સાલીયાણું” છે. ભારતભરના અન્ય રાજાઓ કરતા ડાંગના રાજાઓનો ઠાઠમાઠ હાલે પણ અકબંધ છે, પણ એક દિવસનાં રાજા પુરતો જ, પણ કેમ? આવો જાણીએ,

ડાંગમાં મુખ્યત્વે ૫ રાજા અને ૧૩ નાયકોનો સમાવેશ થાય છે. જેમાં હાલના..

(1) ગાઢવી સ્ટેટ (રાજા શુક્કર પવાર સાહેબ)

(2) પીમ્પરી સ્ટેટ (રાજા તીરમકરાવ સાહેબરાવ પવાર સાહેબ)

(3) વાસુર્ણા સ્ટેટ (રાજા ધનરાજસિંહ સૂર્યવંશી સાહેબ)

(4) દહેર સ્ટેટ (રાજા તપતરાવ પવાર સાહેબ)

(5) લિંગા સ્ટેટ (રાજા છત્રસિંહ સૂર્યવંશી સાહેબ)

નાયકો અને અન્ય નાના રજવાડાઓ

ચિંચલી ,ગડદ,ઝરી,ગારખડી,પોળસવિહિર,પીપલાઈ દેવી, વાડીયાવન,શિવબારી,બિલબારી.

ડાંગી રાજવીઓને મળતું સાલીયાણું એટલે શું ? ડાંગના આ મેળાની વિશેષતા કેમ આટલી બધી છે? તો આવો જાણીએ “ડાંગના” આ “દરબાર” વિશે તેની શરૂઆત વિશે,

ડાંગના આદિવાસી સમુદાયના લોકોનો મૂળમંત્ર એટલે “ખાવુલા”, “પેવુલા”, અને “નાચુલા”, આજે પણ હોળીનો તેહવાર એટલેકે “હોળીના સન” “શિમગા”ની અંદર આપણા જીવનને તણાવ મુક્ત કરતી પ્રથા અને ઉજવણી જોવા મળે છે, અને કેહવામાં આવે છે” ને કે જેવા રાજા તેવી ત્યાંની પ્રજા,

જાણકારોના મતાનુસાર અંગ્રેજો ઇ.સ ૧૮૧૮ માં ડાંગની ધરતીઉપર પ્રથમવાર આવ્યા હતા, આમતો સમગ્ર ભારતમાં ઘણા સામ્રાજ્યોએ રાજ કર્યું, પણ ડાંગ એવી ધરા હતી, જેના ઉપર અંગ્રેજોની નજર ડાંગના આ રાજવીઓના જંગલ ઉપર હતી, એ સમયે ડાંગના રાજાઓને બળવાખોર કેહવાતા, પરંતુ ડાંગના રાજવીઓ પાસે કોઈ રાજપાટ કે મહેલો હતા નહી, તેમ છતાં પણ અંગ્રેજોની નજર ડાંગના રાજવીઓ ઉપર શા માટે હતી? અને ડાંગના ત્યારના રાજાઓ અંગ્રેજોના કોઈપણ કુટનીતિનો શિકાર શામાટે બન્યા નહિ? અને પછીથી બન્યા તો એના માટે કયું પરિબળ જવાબદાર હોઈ શકે ? અને ડાંગના આ રાજવીઓ કે ડાંગની આ પ્રજા અંગ્રેજોની ગુલામી નો શિકાર કેમ ના થયા? ડાંગ પાસે અઢળક સંપતિ સ્વરૂપે મસમોટા ઈમારતી લાકડા અને એનું વનઅચ્છાદિત જંગલ હતું, ડાંગ ઉપર ચઢાઈ કરવા અંગ્રેજ કોઈકાળે વિચારી પણના શકે કારણકે, એનું મુખ્ય કારણ અંગ્રેજો એજ આદિવાસીઓ માટે બનાવેલ સવિશેષ કાયદા હોઈ શકે, અને એજ કાયદાઓ ડાંગના જંગલ ઉપર પણ લાગુ પડતા હોઈ શકે, અને વર્તમાન સમયમાં પણ છે , ઇ.સ ૧૮૪૨ અને ૧૮૪૩ મા ખાનદેશ ના કલેકટર (અંગ્રેજો ના પ્રતિનિધિ ) નાઓએ ડાંગ નાં રાજા પાસે થી જંગલ ભાડે લીધું હતું. ત્યારે તેઓને અંકે ૧૧,૨૩૦ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારથી સાલીયાણું એટલે કે પોલીટીકલ પેન્શન પ્રથા આજે પણ ચાલી આવે છે,અને આ તેની શરૂઆત હોઈ શકે,

પરંતુ અંગ્રેજોએ ડાંગને તાબામાં કર્યું કઈ રીતે? શું ડાંગનાં રાજાઓમાં સંપ હતો નહી? અને રજાઓમાં હતો, તો એમના નાયકોમાં ના હતો? પરંતુ અહીં કોઈ એકજ રાજાની માલિકીનો અધિકાર નહી, પરંતુ રાજાસાથે તેમના ભાઈબંધુઓનો પણ આ જંગલો ઉપર સવિશેષ અધિકાર હતો, એવું આજની માનદાન રકમની વહેંચણી ઉપરથી કહી શકાય, અને અંગ્રેજો આ બાબત જાણતા હતા? તો શું એટલે ડાંગને ગુલામ તો ના બનાવી શક્યા, પણ લાલચ આપવામાં સફળ રહ્યા હોઈ? હવે શરૂઆત થઇ ડાંગના ડાંગદરબારના રાજવીઓના સલીયાણાની, ૧૮૬૫ની અંદર અંગ્રેજ સરકારના પ્રતિનિધિ સર એટોમ ડાંગના ભીલરાજવી, તેમના નાયકો તેમજ તેમના ભાઈબંધુઓને બેહલાવી ફોસલાવીને એમની સાથે સાંઠગાંઠ કરી, ડાંગના જંગલનાં પટાને ૩૦ વર્ષના કરાર આધારિત ભાડાપટે મેળવવા સફળ રહયા હતા, લોકવાયકા પ્રમાણે ડાંગના રાજવીઓને ડાંગના જંગલના બદલામાં શું જોયીએ જેના માટે ડાંગના રાજવીઓ સામે ત્રણ તગારી મુકવામાં આવી હતી, જેમાં પ્રથમ તગારીમાં લાકડી બીજા તગારીમાં માટી અને ત્રીજા તગારીમાં રૂપિયા મુકવામાં આવ્યા હતા, જો પ્રથમ તગારી પસંદ કર્યું હોત, તો ડાંગનાં જંગલો ઉપર ડાંગનાં રાજવી ઓનો કબજો હોત, જો બીજા તગારી ઉપર હાથ મુક્યો હોત, તો ડાંગની જમીન ઉપર એમનો કબજો હોત, પરંતુ આ બધું ડાંગનાં રાજવી પાસે અઢળક હતું, માત્ર ન હતા, તો એ છે, બસ “રૂપિયા” કેહવામાં આવે છે, કે આ કુટનીતિનો શિકાર ડાંગના રાજવીઓ બની ગયા, શરૂઆતના સમયમાં ડાંગનાં રાજવીઓના ભાઈબંધુઓને ચારઆના, આઠઆના, બારઆના જયારે રાજાઓને અંકે 400 રૂપિયા અથવા ૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા, ઇ.સ ૧૯૨૩ ની સાલમાં આ માનદાનમાં ૫૦% નો વધારો કરવામાં આવ્યો હતો, ઇ.સ ૧૯૩૭ ની અંદર આ ભાડા પધ્ધતી રદ કરવામાં આવી, ત્યારબાદતો દેશના આઝાદી પછી, ૧૯૫૪ માં રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું જેમાં ભારતદેશનાં ૫૬૨ રજવાડા પૈકી ૨૫૮ રજવાડા આદિવાસી રાજાઓના હતા, અને આ રજવાડાઓ પૈકી ૫ રજવાડા એટલેકે ડાંગનાં ૫ રાજવીઓ, ૧૯૪૭ બાદ અન્ય રાજાઓને પણ પોલીટીકલ પેન્શન મળતું, પરંતુ વિલીનીકરણ બાદ ભારતના અન્ય રાજવીઓનું પોલીટીકલ પેન્શન બંધ કરવામાં આવ્યું, પરંતુ ડાંગનાં આ ભીલરાજવીઓનું માનદાન એટલે કે પોલીટીકલ પેન્શન ચાલુ રાખવામાં આવ્યું, પણ એનું કારણ અંગ્રેજોએ ચાલુ કરેલી પ્રથા અથવા તો તેમણે બનાવેલ આદિવાસીઓ માટેનાં સવિશેષ કાયદા ગણી શકાય, આજેપણ તમે આ વિસ્તારોમાં કરાર આધારિત જમીન મેળવી શકો, પણ સંપૂર્ણ રીતે અધિકાર ના મેળવી શકો, ડાંગનાં જંગલોનાં બદલામાં થયેલ સોદો અને ઈમારતી સાગીલાકડાને ડાંગમાંથી બહાર લઇ જવા માટે ડાંગનાં વઘઈ સુધી અંગ્રેજોએ ટ્રેન પણ ચાલુ કરી હતી, જે આજે પણ છુક છુક કરતી ડાંગના ગીરીકંદરા વચ્ચે દોડે છે. સહેલાણીઓ નું મુખ્ય આકર્ષણ પણ છે,

વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૫ ના સમય ગાળા દરમિયાન ડાંગ મહારાષ્ટ્ર માંથી છુટું પડી ગુજરાતરાજ્યમાં સમાવિષ્ઠ થતા હોળીની અંદર ડાંગના રાજવીઓને સરકાર તરફથી પોલીટીકલ પેન્શન મળી રહે, માટે સૌપ્રથમ ડાંગ ના “દાવદહાડ” ગામે ડાંગનો પ્રથમ ડાંગ દરબાર મેળો ભરવામાં આવ્યો હતો, જે વાતનાં ઘણા સાક્ષીઓ આજે પણ હયાત છે, વર્ષ ૧૯૬૫ બાદ રજાઓને મળતું આ માનદાનની રકમ વાર્ષિક ૬૦,૦૦૦ થી ૯૫૦૦૦ હજાર તમામ રાજાઓ અને તેમના નાયકોને આપવામાં આવતું, જે હાલના સમયમાં પણ રાજવી પરિવારો માટે ગુજરાન કરવા પુરતું નથી, લિંગા સ્ટેટના રાજા છત્રસિંહ સૂર્યવંશી સાહેબના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, કે તેઓને માસિક પોલીટીકલ પેન્શન અંકે ૭૯૮૪ રૂપિયા માત્ર મળે છે, જેને ૨૫ લોકો મા વહેંચવા પડે છે, આઝાદી બાદ આ રાજવીઓ આ બાબતે ઘણી સરકારો સામે બળવો પોકારી ચુક્યા છે, ડાંગનાં વાસુર્ણા સ્ટેટના રાજા સાહેબે તો તેમના એક ઇન્ટરવ્યુમાં જણાવે છે, કે જો આ પોલીટીકલ પેન્શનમાં વધારો નહી કરવામાં આવે તો, ડાંગ દરબાર નહી ઉજવવા દેવાની પણ ચીમકી સરકારશ્રીઓને આપી ચુક્યા છે. બાદમાં આ પોલીટીકલ પેન્શન સવિશેષ રીતે અને રંગેચંગે રીતે અને માનભેરસહ મળે, અને આ ડાંગનાં આઝાદ રજવાડાનાં રાજાઓનું સન્માન જળવાઈ રહે, માટે આ પોલીટીકલ પેન્શન માટે ડાંગદરબાર નું આયોજન કરવામાં આજે પણ કરવામાં આવે છે, ડાંગ ના રાજવીઓ આર્થીક રીતે સધ્ધર હતા નહી, જેથી તેઓએ જંગલના બદલામાં માનદાન અર્થે રૂપિયા સ્વીકાર્ય હતા, તો સાલીયાણા વિશે મહદ અંશે માહિતી તો આપ ને મળી જ ગઈ હશે.

ડાંગ દરબાર ની ઉજવણી …..

આ મેળાનું વિશેષ મહત્વ એટલા માટે છે, કારણકે આ મેળાનું આયોજન રાજ્યનાં મુખ્યમંત્રી અથવા તો સ્થાનિક પ્રશાશન નહિ, પણ ખુદ રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ તેનું આયોજન કરે છે, અને આ મેળાનાં ઉદ્ઘાટન થી લઇ રાજાઓનું સન્માન પણ મહામહિમ રાજ્યપાલ પોતાના હસ્તે કરે છે, વિદેશોમાં જોવા મળતી કાર્નિવલની ઝાંખી ડાંગદરબારમાં જોવા મળે છે, હાથી ઘોડા સાથે સુશોભિત રથમાં ડાંગનાં રાજવીઓની સવારી નીકળે છે, ડાંગનાં વિવિધ આદિવાસી પારંપારિકનૃત્યો જેમકે ડાંગીનૃત્ય,પાવરી નૃત્ય, માદળનૃત્ય,ઠાકર્યાનૃત્ય,માંભવાની,મોવાડા સાથે ગુજરાત રાજ્યના આદિવાસીનૃત્યો અને ભારતભરનાં આદિવાસી કલાકારો પોતાની સંસ્કૃતિક પરિધાનો સજ્જ આ કાર્નિવલનાં ભવ્ય રાજાઓની રથયાત્રાને રંગેચંગે આગળ ધપાવે છે, અને ડાંગનાં આહવા ખાતેનાં રંગ ઉપવન જે હોળીમાં રાજાઓનું રાજદરબાર પણ કેહવાય, એ જગ્યાએ રાજાઓનું સન્માન કરી, તેઓને અંગ્રેજોનાં સમયથી મળતું પોલીટીકલ પેન્શન આપવામાં આવે છે. 4 થી ૫ દિવસ રંગારંગ કાર્યક્રમો જેમાં દેશ વિદેશમાં ખ્યાતનામ પામેલા આદિવાસી કલાકારો આ મેળામાં આવેલ લોકોનું મનોરંજન પૂરું પાડે છે, આ મેળામાં ડાંગનાં ઓર્ગેનિક ખાણીપીણી તેમજ ડાંગનાં વાંસની બનાવટોનું વેચાણ ખુબજ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, પ્રાકૃતિક જીલ્લો ડાંગ પોતાના ઓર્ગેનિક પેદાશ માટે પ્રચલિત હોઈ, અન્ય સમય અથવા તો હોળીનાં આ સમયે બહારથી આવેલ સહેલાણીઓ ખાસ આ વસ્તુઓની ખરીદી કરી ખુશી અનુભવે છે, તો આખો દીવસ મેળામાં ફરીને થાક્યાપાક્યા હોઈ તો સાંજે રંગઉપવન પાસે બેસી કલાકૃતિ અને સંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી શાંતિ અનુભવી ઘર તરફ પાછા ફરે છે, અને આ ભવ્યમેળાની યાદસોગાદ તેઓની સાથે લઇ જાય છે, અને ડાંગનાં ડાંગીઓતો ખરાજ પરંતુ સહેલાણીઓ પણ ફરી પાછા ડાંગનાં હોળી અને ડાંગદરબાર મેલાની આતુરતા થી રાહ જોઈ છે.

ડાંગનાં રાજવીઓનાં સન્માનમાટે શરૂ થયેલ આ ડાંગદરબાર પ્રાચીન તો છેજ પરંતુ આ ભારત વર્ષમાં આજની તારીખે હયાત રાજાઓ અને એમનો દરબાર અને એમના ઠાઠમાઠની વિશેષ ઉજવણી આજે પણ જોવા મળે, એ આપણા માટે અહોભાગ્ય છે. આ ડાંગદરબારની ઉજવણી એનો ઈતિહાસ અને એનો લાહવો આપને તનાવ ભરી જીંદગી માંથી દુર લઇ જઈ, ડાંગનાં લોકોની જેમ ખાવલા,પેવલા અને નાચુલાનાં મૂળમંત્ર સાથે નવું જીવન જીવવાની પ્રેરણા આપે છે, આપણે મેળામાં માત્ર ખરીદી કરીએ છીએ, વિવિધ રાઈડમાં બેસીએ છીએ, પરંતુ આ ડાંગદરબારનો મેળો તમને અલગ રીતે જીવન જીવવાની પ્રેરણા આપશે એ વાતમાં કોઈ શંકા નું સ્થાન નથી. ભલે એક દિવસનાં રાજા પણ જીવન રાજાની જેમ અને ડાંગની પ્રજા ની જેમ જીવવું એ આ મેળાની ખાસિયત છે.