ગુજરાત : જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન ઇડરના સાયુજ્યે રાજ્યકક્ષાનો આઠમો ઇનોવેશન ફેસ્ટિવલ ઈડર મુકામે તાજેતરમાં યોજાયો. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળાના વડપણ હેઠળ નર્મદા જિલ્લાના પાંચ શિક્ષકોએ પોતાનું શૈક્ષણિક ઇનોવેશન રજૂ કર્યું

Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે ડેડીયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા કાંદાના શિક્ષક શ્રી નિલેશકુમાર એમ. પ્રજાપતિએ ભાષા અને ગણિતના વિવિધ ટી.એલ.એમ બનાવી “F. L. N ACTIVITIES ” નવતર પ્રયોગ રજૂ કર્યો. એફ.એલ.એન નું આ સાહિત્ય અન્ય શિક્ષકોને મદદરૂપ થઈ શકે તે માટે તેમણે ડિજિટલ વિડીયો બુક પણ બનાવી છે. ગરુડેશ્વર તાલુકાની નવા વાઘપુરા પ્રાથમિક શાળાના બહેનશ્રી રાજ ચારુલત્તાબેને ” ગણિતની મજા માણીએ” નવતર પ્રયોગ રજૂ કર્યો. નાંદોદ તાલુકાની મોટા રાયપુરા પ્રાથમિક શાળામાંથી સુરેશભાઈએ ડિજિટલ એજ્યુકેશન નવતર પ્રયોગ રજૂ કર્યો. આ ઉપરાંત સાગબારા તાલુકાની મોટી પરોઢી માધ્યમિક શાળામાંથી ધર્મેન્દ્રભાઈએ જૂથ કાર્ય દ્વારા શિક્ષણ નવતર પ્રયોગ રજૂ કર્યો તથા તિલકવાડા તાલુકાની રામપુરી માધ્યમિક શાળામાંથી પૂનમભાઈએ અંગ્રેજી ભાષા વાંચન ઉપર નવતર પ્રયોગ રજૂ કર્યો. રાજ્યકક્ષાના આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા તથા નિયામક શ્રી ડી.એસ.પટેલ સાહેબે પાંચેય સ્ટોલની મુલાકાત લઇ તેમના કાર્યોને બિરદાવ્યા હતા. નર્મદા જિલ્લાના ડી.આઇ.સી કોઓર્ડીનેટર શ્રી દીપકભાઈ ચૌહાણના માર્ગદર્શન અને સહકારથી પાંચેય શિક્ષક મિત્રોએ ઉત્કૃષ્ટ રીતે પોતાના નવતર પ્રયોગ રાજ્ય કક્ષાએ રજૂ કર્યા. રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં નર્મદા જિલ્લાનું નામ રોશન કરનાર પાંચેય શિક્ષક મિત્રોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ પટેલ સાહેબે તથા ડાયટ પ્રાચાર્યશ્રી એમ.જી. શેખ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.