આહવા: તા: ૧: ડાંગ દરબાર-૨૦૨૩ના ભાતિગળ લોકમેળામા ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા ડાંગ દરબાર હોલના પટાંગણમા વિવિધ કચેરીઓના ૧૫થી વધુ માહિતીપ્રદ પ્રદર્શન સ્ટોલ્સના માધ્યમથી, જિલ્લાની વિકાસગાથા રજુ કરવામા આવી રહી છે.
Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે ડાંગ કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગની રાહબરી હેઠળ અહી વન વિભાગ દ્વારા વન્યજીવોના જતન, અને સંવર્ધનનો સંદેશ આપવામા આવી રહ્યો છે. તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા અને મિશન મંગલમ્ યોજનાની જાણકારી પુરી પાડવાનું આયોજન કરાયું છે. પ્રાયોજના કચેરી દ્વારા ડાંગ દરબારના મેળામા જિલ્લામા હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમોની વિગતો રજૂ કરવામા આવી છે.
ડાંગ પોલીસ ફૉર્સ દ્વારા પણ અહી હથિયાર પ્રદર્શન રજુ કરાયુ છે. પોલીસ ફોર્સ દ્વારા પ્રજાકિય જાનમાલની સુરક્ષા અને સલામતી માટે ઉપયોગમા લેવાતા એકે-૪૭, લાઇટ મશીનગન, સેલ્ફ લોડીંગ રાઇફલ, ૯ એમ.એમ.કાર્બાઇન, ગ્લોક પીસ્ટોલ સહિતના હથિયારોની જાણકારી પુરી પાડવામા આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાની શાળાઓમા ચાલતા એસ.પી.સી. અંગેના કાર્યક્રમની જાણકારી પણ અહીં આપવામા આવી રહી છે.
પ્રદર્શનમાં વાસ્મો દ્વારા જિલ્લામા પીવાના પાણીની સ્થિતિ અંગેનુ નિદર્શન, અને જાણકારી પુરી પાડવામા આવી રહી છે. તો આરોગ્ય શાખા દ્વારા અહીં આવતા મુલાકાતીઓની સુશ્રુષા સહિત યોજનાકિય જાણકારી પણ આપવામા આવી રહી છે. બાળ સુરક્ષા, અને સમાજ સુરક્ષા દ્વારા અહીં વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓની જાણકારી આપતા સાહિત્યનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે. તો ૧૮૧-અભયમ દ્વારા પણ અહી સામાજિક સુરક્ષાની સેવાઓની પ્રજાજનો સમક્ષ રજૂ કરવામા આવી છે.
જિલ્લાના આઇ.સી.ડી.એસ. દ્વારા અહી અમલી વિવિધ યોજનાઓની જાણકારી સાથે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ વિવિધ શૈક્ષણિક યોજનાઓની જાણકારી રજુ કરવામા આવી છે. સાથે સાથે પશુપાલન શાખાની યોજનાકીય વિગતો, નશાબંધી અને આબકારી વિભાગની પ્રવૃત્તિઓ તથા જિલ્લાની લીડ બેન્ક દ્વારા પણ, બેંકિંગ ક્ષેત્રની ઉપયોગી જાણકારી રજૂ કરવામાં આવી રહી છે.
આ પ્રદર્શનીનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક-વ-આ કામગીરીના નોડલ ઓફિસર શ્રી શિવાજી તબિયાળે અનુરોધ કર્યો છે.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧: ડાંગની ભાતિગળ લોક પરંપરાને ઉજાગર કરતા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ના પાંચ દિવસીય લોકમેળામાં ઉમટતી જનમેદની માટે, ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટેની સમિતિ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ દરબારના પ્રારંભ પહેલા આહવાના રાજમાર્ગ ઉપર આયોજિત ભવ્ય શોભાયાત્રા દરમિયાન, ડાંગી સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરતા ગવરાઈ નૃત્ય, ઠાકર્યા નૃત્ય, માદળ નૃત્ય, ડાંગી નૃત્ય, સોન્ગી મુખોટા, રામાયણ નૃત્ય નાટિકા, પાવરી નૃત્ય, ભવાડા નૃત્ય, રાઠવા નૃત્ય સહિત સીદી ધમાલ નૃત્ય પ્રજાજનોને માણવા મળશે. શોભાયાત્રા બાદ ‘ડાંગ દરબાર’ના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન આહવાના રંગ ઉપવન ખાતેના રંગમંચ ઉપર પ્રાર્થના ગીત સહિત ડાંગી નૃત્ય અને પાવરી નૃત્યની પ્રસ્તૃતી કરાશે.
તા. ૨જી માર્ચના શોભાયાત્રા થતા ઉદ્દઘાટન સમારોહના સવારના આ કાર્યક્રમો ઉપરાંત, દરરોજ સાંજે ૭:૩૦ કલાકે રજુ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગતો જોઈએ તો, તા. ૨/૩/૨૦૨૩ નાં રોજ ડાંગના દરબારીઓને આહવાના રંગ ઉપવન ખાતે નૃત્ય નાટિકા, ડાંગી નૃત્ય, ઠાકરે નૃત્ય, સોન્ગી મુખોટા, કઠપૂતલી ડાન્સ, રાઠવા નૃત્ય, કિન્નર નૃત્ય, આદિવાસી નૃત્ય, રાધાકૃષ્ણ કૃતિ, ચકરી નૃત્ય, મેજીક શો, અને સીદી ધમાલ નૃત્ય માણવા મળશે.
તા. ૩/૩/૨૦૨૩ નાં રોજ ડાંગી નૃત્ય સાથે રાઠવા નૃત્ય, ગોંડલ નૃત્ય, સીદી ધમાલ, શિવ અઘોરી નૃત્ય, દેરા વાદન, કાલી નૃત્ય, સોન્ગી મુખોટા, ચકરી નૃત્ય, પાવરી નૃત્ય, અને હીપહોપ નૃત્ય ડાંગના દરબારીઓ માણી શકશે. તા.૪ નાં રોજ ડાંગી નૃત્ય સાથે તમાશા નાટિકા, ચકરી નૃત્ય, ધાંગડી નૃત્ય, સીદી ધમાલ, ગૃપ ડાન્સ, સોન્ગી મુખોટા, અને રાઠવા નૃત્યની રમઝટ જામશે. તા. ૫ ના રોજ ડાંગી નૃત્ય સાથે રાઠવા નૃત્ય, ચકરી નૃત્ય, તમાશા નાટિકા, સોન્ગી મુખોટા, અને સીદી ધમાલ નૃત્ય રંગ જમાવશે.
તા.૬ નાં રોજ ‘ડાંગ દરબાર’ના અંતિમ દિવસે આહવાના રંગમંચ ઉપર ડાંગી નૃત્ય ઉપરાંત ઠાકરે નૃત્ય, સોન્ગી મુખોટા, ચકરી નૃત્ય, રાઠવા નૃત્ય, દેરા વાદન, સીદી ધમાલ અને જાદુગર પણ તેના જાદુના કામણ પાથરશે.
આમ, તા.૨ થી ૬ માર્ચ-૨૦૨૩ દરમિયાન દરરોજ સાંજે આહવા ખાતેના રંગ ઉપવનના રંગમંચ ઉપર સ્થાનિક કલાકારો સાથે અન્ય પ્રદેશના કલાકારો પણ તેમની કળાના ઓજસ પાથરશે.
સોળમી સદી સાથે જોડાયેલા ડાંગ પ્રદેશના રાજ અને રજવાડાઓની વાતો
નવી પેઢી માટે પ્રસ્તુત સંકલન : મનોજ ખેંગાર
‘ડાંગ દરબાર’ આવે એટલે ઈતિહાસના પાનાઓ આપોઆપ ફરવા માંડે, કાળના ગર્ભમાં દફન ઈતિહાસ ફરી વાર નજર સમક્ષ બેઠો થઈને, નવી પેઢીનું માર્ગદર્શન કરે તે સ્વાભાવિક છે.
ડાંગના ઈતિહાસકાર અને સંશોધનકર્તા માજી ધારાસભ્ય એવા બુઝુર્ગ શ્રી ગોવિંદભાઈ પટેલે પણ ઈતિહાસમાં ખેડાણ કરતાં, કેટલીક અધિકૃત સામગ્રીઓને સંકલિત કરી, તેને પુસ્તકદેહ આપવાનો ભગીરથ પ્રયાસ આદર્યો છે. પુસ્તક પ્રકાશિત થાય તે અગાઉ, તેમણે ખૂબ મોટુ મન રાખીને ઈતિહાસના કેટલાક અંશો આ વેળાના ડાંગ દરબારમાં નવી પેઢી સમક્ષ ઉજાગર થાય, તો તેમને કોઈ વાંધો ન સેવાની સંમતિ આપી છે, ત્યારે આવો આપણે સૌ ઈતિહાસની એ વણખેડાયેલી વાટની સફરનો આનંદ માણીએ.
સંશોધનકર્તા શ્રી ગોવિંદભાઈ પટેલ લખે છે કે, ડાંગ પ્રદેશ, ધરતી ઉપરનો એક રળિયામણો અને સુંદર બગીચો છે. મધ્ય પશ્ચિમ ભારત ખંડનો સાતપુડા અને સહ્યાદ્રી પર્વત માળાનો પહાડી, સમૃધ્ધ ગાઢ જંગલોથી ભરપુર આ કુદરતી, સુંદર મનમોહક બગીચામાંથી નાની-મોટી નદીઓ ખળખળ વહે છે. અહીં રહેતા માનવ, જંગલી પ્રાણી અને જીવજંતુઓનું આશ્રય સ્થાન, મનને હરી લે છે. લોકો ભલા ભોળા, સમજદાર, પ્રમાણિક અને ખડતલ છે. સાથે વફાદાર અને બુધ્ધિશાળી પણ છે, તથા સંપથી રહે છે.
આ સહ્યાદ્રી વિસ્તારમાં ભીલોની સંખ્યા વધુ, તેથી ભીલ મુખિયાઓ બનતા ગયા. પાછળથી રાજા થયા. ડાંગના રાજાઓ અને પ્રજા ડાંગની ભૂમિ અને જંગલને પ્રાણથી પણ વધુ ચાહતા હતા. બીજાની દખલગિરી સહન કરતા ન હતા. સમય જતાં સાતપુડા અને બાગલાણ સ્ટેટના સહ્યાદ્રી વિસ્તારમાં ૨૩ જેટલા નાના-મોટા ભીલ રાજાઓ ઉભા થયા. જેમાં ૫ રાજાઓ, નાઇકો ડાંગમાં થયા. રાજાઓના રહેણાંકના આધારે ડાંગમાં નાના-નાના પાંચ રાજય બન્યા. ૧. ગાઢવી ૨. લીંગા ૩. દહેર ૪. વાસુર્ણા અને ૫. પિંપરી. આ પાંચ રાજાઓ ઉપરાંત ૧. કિરલી ૨. શીવબારા ૩. ચિંચલી ૪. અવચર ૫. પોળસવીહીર ૬. પીપલાઈદેવી ૭. વાડીયાવન ૮. બીલબારી અને ૯. ઝરી (ગારખડી) વગેરે નવ નાઇકો રાજ વહીવટ કરતા થયા. ડાંગ અવિકસિત પહાડી જંગલ વિસ્તાર હોઈ, તેને બહારના લોકો અંધારિયા ખંડ તરીકે ઓળખતા. જે પાછળથી આદિવાસી વિસ્તાર તરીકે ગણાયો.
ભીલ રાજાઓ, નાયકોમાં સર્વશ્રી ગોવિંદ નાઈક, દશરથ નાઇક, રૂપસિંગ નાઈક, જીવાજી નાઈક, કાળુ નાઈક અને ગાઢવીના શિલપત સિંગ વગેરે ડાંગના રાજા, નાઇકો હતા. આ રાજાઓ ડાંગનો વહિવટ કરતા હતા. ૧૮૭૮ માં ડાંગ ખાનદેશ પ્રાંતમા સમાવિષ્ટ હતુ, તે પછી ૧૯૪૭ માં મુંબઈ રાજ્યમાં ડાંગના પાંચ રાજ્યોને એક સમૂહ સ્ટેટ (ધ ડાંગ્સ) તરીકે ગણી, ડાંગને જિલ્લાનું સ્થાન આપ્યું, અને તેનો વહીવટ મુંબઈ રાજય સરકાર હસ્તક શરૂ કર્યો.
ઉપરોકત રાજાઓ અને નાઈકો રાજ્યનો રાજ વહીવટ ચલાવતા. અહીના લોકો લાકડા અને વાંસમાથી બનાવેલા કાચા ઘરો તથા ઝૂપડામાં રહેતા હતા. તેઓ જંગલમાથી કંદમૂળ તથા પશુ-પક્ષીઓ અને માછલીનો શિકાર કરી જીવન નિર્વાહ કરતા. સમય જતાં ડાંગની આજુ બાજુ ખેતીના પાકો થતા હોવાનું જાણવા મળતાં જીવન નિર્વાહમાં અનાજ, કઠોળ, તેલીબિયા, મીઠું, મરચા, મસાલા વગેરેનો ઉપયોગ કરવા લાગ્યા. આજુ બાજુ થતી ખેતીથી પ્રેરિત થઈ, આ વિસ્તારમાંથી ખેતીના જાણકાર લોકોને રાજાઓએ બોલાવી, પોતાની જમીનમાંથી ખેતી કરવા જમીનનો ભાગ આપ્યો. જેથી રાજાની જમીનમાં લોકો ખેતી કરતાં થયા. અનાજ, કઠોળ, અને તેલીબીયાં, ફળ, ફુલ વગેરે ખેત ઉત્પાદનમાંથી રાજાઓ, નાઈકો, કુંવરો અને સિપાહીઓને ભાગ આપતાં. તે સમયમાં ખેતીના જાણકારોમાં મુખ્યત્વે કુનબી, કુંક્ણા, વારલી, ગામીત, કાથોડિયા વગેરેનો સમાવેશ થતો હતો. આમ, આ બધી જાતિના લોકોથી ડાંગની વસ્તીમાં વધારો થતાં ખેતી કરનારની સંખ્યામા વધારો થયો. ખેત ઉત્પાદન જોઈને કેટલાક ભીલ લોકો પણ અનાજ, કઠોળ અને અન્ય ધાન્ય તેમજ તેલીબીયાં વિગેરેની ખેતી કરતાં થયાં. પ્રજા સૌ સાથે મળીને સંપથી રહેતા અને રાજાનુ માન-સન્માન પણ જાળવતા. આમ, ધીરે ધીરે તેઓ પડોશી પ્રદેશો સાથે પણ સંપર્કમાં આવતા થયા.
ભીલ રાજાઓના રાજ વહીવટમાં (૧) રાજા (૨) પ્રધાન (૩) નાઈક (૪) કુંવર (૫) સિપાહી (૬) ખૂંટીવાળા (૭) પાટીલ (ગ્રામકક્ષાના) (૮) કારભારી (૯) જાગલીયા (વેઠીયો) વગેરે હતા.
ઉપરોક્ત હોદેદારો લોકો સાથે વ્યવહાર ચલાવતા તેમજ ઝઘડા, ખૂન, વિવાદો વગેરેનો નિકાલ કરતાં, જરૂર પડયે અસામાજિક તત્વોને શિક્ષા કરતાં. આ અંગે રાજાનો નિર્ણય આખરી નિર્ણય રહેતો. અહી નોંધનીય એ છે કે રાજા ભીલ જાતિના હોવા છતાં, કુકણા, કુનબી, વારલી, ગામીત અને કથોડિયા લોકો ભીલ લોકો સાથે બેટી વ્યવહાર રાખતા ન હતા.
લોકો અભણ હોવા છતાં હોશિયાર હતાં. તીરકામઠાં, ધાતુ અને પથ્થરના શસ્ત્રો/હથિયારો ઉપયોગમાં લેતાં. કપડા સામાન્ય રીતે સાદા કપડા, ઝાડની છાલ, પાંદડાંનો ઉપયોગ કરતાં. વાસણમાં માટી અને ધાતુના વાસણ વાપરતાં. ખુબ જ સાદુ અને સામાન્ય પણ મોજ-શોકથી જીવન જીવતા. અહીના લોકો પ્રાકૃતિક પુજામાં માનતા હતા. વનસ્પતિઓની સારવાર લેતા, કુદરત ઉપર વિશ્વાસ કરતાં, પોતાની મસ્તીમાં રહેતા. ધરતી, ભગવાને ઉત્પન્ન કરી છે તેના ઉપર વસવાટ કરી અમારૂ જીવન સુખી છે, ધરતી પર પાલન પોષણ થાય છે, સુર્ય, ચંદ્ર તેજ પ્રકાશ આપે છે, જેથી ધરતીને માતા અને સુર્ય, ચંદ્રને મહાદેવ તરીકે માને છે. રામનો રામખંડ અને સીતાનો વનખંડ તરીકે ઓળખતા અહીંના ભીલો, પોતાને શબરીમાતાના વંશ જ ગણે છે. શબરીમાતાનું સ્થાનક સુબીર પણ આજ જિલ્લામા છે. ડાંગના રાજાઓ મોગલ કે અંગ્રેજો સામે ઝુક્યા નહી. તેઓ હંમેશા ખુમારી થી કહેતા, ‘આમ્હી કુનાને હાથખલ દબાયજન નીહી’
–

