ખેરગામ: ગતરોજ ખેરગામના તોરણવેરા ગામના હનુમાન ફળિયામાં રહેતા માજી સરપંચના પતિની બાઈક સ્લીપ થતા અકસ્માતની દુર્ઘટના સર્જાય હતી જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું તેમના મૃત્યુના સમાચાર મળતા તેમની પત્નીને આઘાત લાગતાં તેમનું પણ મૃત્યુ થઇ ગયાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ અરુણભાઈ નટુભાઈ ગાંવિત (ઉં.વ. 38) ગુરુવારે કોઈક કામ અર્થે ગામના ચાર રસ્તા પર ગયા હતા. જેઓ ત્યાંથી કામ પતાવી રાત્રે 8:30 વાગ્યાના સમયે પોતાના ઘરે તેમની સ્પેલન્ડર બાઈક નં GJ-21-D-1657 પર આવી રહ્યા હતા. તે દરમિયાન તોરણવેરા ગામના નિશાળ ફળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે સોમલુભાઈ પીલિયભાઈ ચૌધરી ના ઘરની પાછળ આવેલા ગરનાળા ના રોડ પરથી પસાર થતાં તેમની બાઈક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માત થવાનો અવાજ આવતા જ તાત્કાલિક આજુબાજુમાં રહેતા લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોએ અરુભાઈને ધાયલ જોતા તાત્કાલિક 108 બોલાવી તેમને ખેરગામની સીએચસી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ હોસ્પિટલના તબીબે તેમને તપાસતા અરુણભાઈને મૃત જાહેર કર્યા હતા.

અરુંણભાઈનું અકસ્માત થયું હોવાની જાણ તેમની ઘરે રહેલા પત્ની અને માજી સરપંચ ભાવનાબેન ને થતાં તેમની પણ અચાનક તબિયત બગડી હતી. અને અચાનક ગભરામણ જેવું થવા લાગતા તેમનું પણ મોત નીપજ્યું હતું. તેમને ખેરગામ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ નવનીતભાઈ નવલુભાઈ ગાંવિતએ ખેરગામ પોલીસ મથકે આપતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ PSI જે.વી. ચાવડા એ હાથ ધરી હતી.

પુત્ર અને પુત્રી નોંધારા બન્યા .
હસતાં રમતાં પરિવારમાં બંને પતિ પત્ની ના એકસાથે થયેલા મોતના પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અરુણભાઈ અને તેમની પત્ની ભાવનાબેન પરિવાર માં રહેતા હોય તેમના બે સંતાનોમાં એક 14 વર્ષની પુત્રી તથા 10 વર્ષનો પુત્ર પાછળ છોડી ગયા હતા.