વાંસદા: ભગવાન સ્વરૂપ માતા -પિતાને લાંછન લગાવતાં કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના જુજ ડેમના પાણીમાંથી એકાદ મહિના પહેલા મળી આવેલા અજાણ્યા બાળકની લાશની ચકચારી ઘટનાનો ભેદ વાંસદા પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે અને હત્યારા અને નિર્દયી માતા પિતાને શોધી કાઢયા છે.
ઉલ્લેખનીય છે કે વાંસદા પોલીસે પોતાની કર્તવ્ય નિષ્ઠાનો પરિચય આપતા વાંસદા તાલુકામાં એકાદ મહિના પહેલા જુજ ડેમના પાણી બાળકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. એ ચકચારી ઘટના હજુ લોકોના માનસ પટ પરથી વિસરાઈ નથી ત્યારે આજે વાંસદા પોલીસે આ ઘટના પરથી પડદો હટાવ્યો છે
વાંસદા પોલીસે આ ઘટનાને લઈને વાંસદા વિસ્તારમાં તો ખરા જ પણ આજુ બાજુના તાલુકા ધરમપુર, કપરાડા, સાપુતારા, વાપી વગેરેના ગામોમાં પોતાની અલગ અલગ ટીમો તૈયાર કરીને તથા આ ઉપરાંત હોસ્પિટલો અને આશા બહેનોને પણ આ બાળક વિષે માહતી એકથી કરવા કામે લગાડયા હતા અને આ ગુચવાયેલા કોયડાને માત્ર એક મહિનાની અવધિમાં જ ઉકેલી નાખ્યો હતો. બાળકના માતા પિતાએ જ બાળકનું ખૂન કરી લાશને જુજ ડેમમાં ફેકી દીધી હોવાનો ખુલાશો સામે આવ્યો છે. બાળકની હત્યા કરનારા નિર્દયી માતા ધરમપુર તાલુકાના આસુરા ગામની સુલોચનાબેન મોહનભાઈ રાઉત છે અને પિતા વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના આંબા પાડા ફળીયામાં રહેતો વિનોદભાઈ નવસુભાઈ માહલા છે. આ બંને એ પોતાના પ્રેમ સંબધમાં જન્મેલા બાળકને મારીને જુજ ડેમના પાણીમાં ફેકી દીધું હતું.

