આહવા: મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વસતા, ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોની કુળદેવી તથા સૌ ડાંગવાસીઓની આસ્થાના કેન્દ્ર એવા તીર્થ ક્ષેત્ર નાંદુરીના ‘સપ્તશૃંગી’ ગઢ સુધીની સીધી બસ સેવા આહવાથી શરૂ થવા પામી છે.
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે તેમજ ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, ભાજપ પ્રમુખશ્રી દશરથભાઈ પવાર, પ્રવીણભાઈ આહીરે, દિપકભાઈ પીપળે, સંજયભાઈ પાટીલ, ભારતીબેન ગાયકવાડ આહવા-સપ્તશૃંગી નવીન બસને આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળા વલસાડ ST ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી શૈલેષભાઇ ચૌહાણ, આહવા ડેપો મેનેજર શ્રી કિશોરભાઈ પરમાર વિગેરેએ ઉપસ્થિત રહી, મુસાફર જનતા માટે ઉપલબ્ધ સેવાઓની વિગતો મહાનુભાવોને પુરી પાડી હતી.
આહવાથી દરરોજ સવારે ૭:૩૦ વાગ્યે ઉપડનારી આહવા-સપ્તશૃંગી લોકલ બસ આહવાથી ગલકુંડ, શામગહાન, સાપુતારા, વની, નાંદુરી માર્ગે બપોરે ૧૧ વાગ્યે સપ્તશૃંગી ગઢ પહોંચશે. ₹ ૧૨૫/- ના લોકલ ભાડે સંચાલિત આ બસ બે કલાકના વિરામ બાદ પરત બપોરે ૧ વાગ્યે આજ માર્ગે આહવા આવવા રવાના થશે. તીર્થક્ષેત્ર સપ્તશૃંગી બસના પ્રસ્થાન કાર્યક્રમમા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ મોદી, યુવા કાર્યકરો સર્વશ્રી સંજય પાટીલ, પ્રવીણભાઈ આહિરે, બસના મુસાફરો, ચાલક, કંડકટર અને કર્મચારીઓ સહિત નગરજનોએ ઉપસ્થિત રહી, સરકારશ્રીના પ્રયાસને બિરદાવ્યો હતો.











