વલસાડ: આજરોજ વલસાડ પારડી તાલુકાના વોર્ડ નંબર 5 ના રહીશોએ જિલ્લા કલેકટરને પ્રાથમિક શાળામાં ભણતા નાના ભૂલકાઓના સ્વાસ્થ્યના ભવિષ્ય પર જોખમ લાગતા મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડ પારડી રામલાલા મંદિરની બાજુમાં આવેલ વૈધ ઘેલાભાઇ નાગરજી સાંસ્કૃતિક લગ્નનો હોલ ગેરકાયદેસર રીતે વલસાડ પારડીનાં દેસાઇઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ હોલની બાજુમાં આવેલ નાની ખુલ્લી જગ્યામાં દેસાઇઓ દ્વારા ગેરકાયદેસર પરવાનગી વિના મોબાઇલ 46,5G ટાવર ઉભો કરવાની કામગીરી ચાલુ કરાવેલ છે આ ટાવર જે જગ્યાએ ઉભો કરવામાં આવે છે તેની બાજુમાં જ ગુજરાતી પ્રાથમિક શાળા આવેલ છે જેમાં ૧ થી ૮ ધોરણના નાના આદિવાસીઓના લગભગ ૪૦૦ થી ૫૦૦ જેટલા છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે આ છોકરા-છોકરીઓ આ ટાવરના રેડીયેશનથી તેઓનું ભવિષ્ય જોખમમાં છે તેમજ આ છોકરાઓ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે તેમજ વનસ્પતી, પશુ પંખીઓ તેમજ ગામમાં વસવાટકરતા બાળકો, વડીલો તેમજ સગર્ભા સ્ત્રીઓ પણ બીમારીનો ભોગ બની શકે છે. તેમજ આ ટાવરના રેડીયેશનથી કેન્સર જેવી જીવલેણ બીમારી પેદા થઇ શકે છે આ ટાવર જે જગ્યાએ ઉભો કરવામાં આવે છે તેની આજુ બાજુ આદિવાસીઓના કાચા-પાકા મકાનો એપાર્ટમેન્ટ, મંદીર વગેરે આવેલા છે જેથી રહેણાક વિસ્તાર હોય જેમાં ટાવર લગાવી શકાય એમ નથી છતા આ ટાવરની કામગીરી પારડીના દેસાઇઓ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે.

ગ્રામજનોની અપીલ છે કે આ ટાવરનું કામકાજ તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી બાળકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જોઈએ. ટાવર જે જગ્યાએ લગાવવામાં આપ્યું છે જેના ૧૦૦ ફુટના અંતરે નયન ગુણવંતરાય દેસાઇના ઘરે 4G/5G નેટવર્કનો ટાવર હાલમાં લગાવવામાં આવેલ છે જે હાલમાં કાર્યરત છે. જે ટાવર પણ બંધ કરવા માટે વિનંતી છે. જો આ ટાવરોનું કામકાજ તાત્કાલીક બંધ કરવામા ન આવશે તો વલસાડ પારડીની આજુબાજુ રહેતા લગભગ 700 જેટલા ઘરો તેમજ 10,000 ની વસ્તી ધરવતા ગામ જનો ને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.