ઉમરગામ: ગતરોજ દક્ષિણ ગુજરાતમાં આગ લાગવાની ત્રણ જેવી ઘટનાઓ બનવા પામી હતી જેમાં ઉમરગામની GIDCમાં આવેલી સલોની મેટલ નામની કંપનીમાં આગ લાગતાં કંપનીમાં અફરાતફરી મચી જવા પામી હતી જે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવતા શાંત થઇ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં GIDC આવેલી સલોની મેટલ નામની એક કંપનીમાં વિકરાળ અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. જેને લઈને લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી અને આ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી અને તેના ધુમાડાના ગોટે ગોટા પણ દુર સુધી દેખાય રહ્યા હતા. આ આગ હાલમાં શોર્ટ સર્કીટ થયાના કારણે થઇ એવી માહિતી લોકો પાસેથી મળી રહી છે. આ આગમાં કેટલું નુકસાન કે કોઈક નું મૃત્યુ થવા પામ્યું હોય એની ખબર હાલ સુધીમાં મળી નથી.