વાંસદા: બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ માનવ સર્જન કેળવણી મંડળ મનપુર સંચાલિત પ્રજ્ઞા સૌરભ હાઇસ્કૂલ મનપુરમાં અભ્યાસ કરતા બાળકોની સમગ્ર કામગીરીને ધ્યાનમા રાખી શ્રેષ્ઠ આદર્શ વિદ્યાર્થીમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળામાં 1 થી 3 ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ તથા વર્ષ દરમ્યાન થતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ડૉ. વિનુભાઈ જાદવ વેદાંશી હોસ્પિટલ વાંસદા, ડૉ. પી. એચ. જૈન, ડૉ. નયનાબેન પટેલ જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી, ડૉ.શોભનાબેન અને મંડળના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં બાળકોને મેડલ, મોમેંટો અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉ વિનુભાઈ, ડૉ જૈન સાહેબ , ડૉ. નયનાબેન, ડૉ.શોભનાબેન દ્વારા બાળકોને પ્રેરણાત્મક વકતવ્ય આપી પ્રોત્સાહિત કરી જીવનમાં પ્રગતિના માર્ગે આગળ વધવા હાંકલ કરી હતી.
આ તબક્કે શાળાનાં આચાર્યશ્રી આર. જે. થોરાત દ્વારા શાળામાં થતી વિવિધ શૈક્ષણિક, સહભ્યાસિક, સમાજઉપયોગલક્ષી કામગીરીની ઝાંખી કરાવી અને શાળાનાં બાળકોની સિધ્ધિ પાછળ શિક્ષકો દ્વારા કરેલ અથાગ મહેનતથી અવગત કરાવી ઉપસ્થિત મહાનુભાવો ને આવકાર્યા હતા. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

