વલસાડ: નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી કરવાની સાથે જિલ્લાને ગૌરવ અપાવનાર સામાજીક કાર્યકર, ખેલાડીઓ, ખેડૂતો, નિવૃત્ત સૈનિકો તેમજ વહીવટી ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરાયુ હતું જેમાં વહીવટીક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર સામાજિક કાર્યકર વલસાડના શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડાના યોગેશભાઇ (યોગી) જયંતિભાઈ પટેલને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.
Decision Newsને મળેલી માહિતી આ કાર્યક્રમમાં મુજબ અધિકારી/કર્મચારીઓ, સેવાભાવી સંસ્થા, રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, ચંદ્રકથી સન્માનિત થનાર હોમગાર્ડઝના સભ્ય/ અધિકારીઓ, પોલીસ અધિકારી/કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ, કરૂણા અભિયાન 2023ની ઉજવણીમાં સામેલ એનજીઓ/ વ્યક્તિઓ, શિક્ષકો, માજી સૈનિકો, સરકારી કાર્યક્રમોમાં એનાઉન્સર તરીકેની સેવા આપનાર શિક્ષિકા ઉન્નતિ દેસાઈ અને સ્મૃતિ દેસાઈ તેમજ ખાનગી અને સરકારી હોસ્પિટલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કપરાડા તાલુકાના વિકાસના કામ માટે રૂ. 25 લાખનો ચેક મંત્રીશ્રી દ્વારા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા, જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા અને સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને સ્મૃત્તિબેન દેસાઈએ કર્યું હતું.

