ચીખલી: પોલીસ પેટ્રોલિંગ અને આબરૂના ધજાગરા ઉડાવતા હોય તેમ સાદકપોર ગોલવાડ ગામમાં તસ્કરોએ રાત્રિના 3 વાગ્યાના સમયગાળા દરમિયાન એક ઘર અને 14 જેટલી દુકાનોના ગલ્લામાંથી નાની-મોટી રોકડ રકમ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સ્થાનિક આગેવાનોના કહેવા પ્રમાણે રાત્રીના 3 વાગ્યાની આસપાસ સાદકપોરના ગોલવાડ ગામના ખેરગામ રોડ પર સાંઈકૃપા શોપિંગ સેન્ટરની વરૂણ દાણા ચણા, ઓમ સાંઈ સ્ટીલ, જયવીર ફર્નિચર, જયઅંબે બોરવેલ, શિવ શક્તિ ઓટો ગેરેજ, ફ્રેન્ડ્સ ઓટો એડવાઇઝર, કમલેશ ઓટો ગેરેજ, સાંઈ લેડીઝ ટેલર, માહી બ્યુટી પાર્લર જેટલી 14 દુકાન અને લક્ષ્મણભાઈનું બંધ મકાન એમ મળી 15 જગ્યાએ શટરના દરવાજાના તાળા તોડી દુકાનમાના ગલ્લામાંથી 27 હજાર જેટલી રોકડ રકમ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ચોરી કર્યાની અમુક પળો એક CCTV કેમેરા કેદ થઈ છે.
સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ચીખલી વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે દિન પ્રતિદિન ચોરીના બનાવોનું પ્રમાણ વધતું ચાલ્યું છે ત્યારે લોકોની જાનમાલની સલામતીને લઈને સ્થાનિકો ચિંતામાં આવી ગયા છે. તેઓએ વધુમાં કહ્યું કે હજુ પણ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના મોટાભાગના ગુનાઓ આજે પણ વણઉકેલ્યા છે. હવે જોવું એ રહ્યું કે આ ચોરીના બનાવમાં પોલીસ કેટલા ઝડપી પરિણામ પર પોહ્ચે છે.











