ખેરગામ: “નથી કાંઈ જડતું ને નથી કાંઈ મળતું અમારું તો કોડિયું કાયમ આમ તરસતું, ચારો તરફ કેવી આ રેસમતા રેલાઈ રહી છે પણ આ અમારું થીંગડું કોઈની નજરે ના ચડતું” ખરેખર હ્રદયથી આ ફોટો મૂકવાની ઈચ્છા તો ન હતી, પરંતુ જ્યારે આ હૃદયદ્રાવક દ્ર્શ્ય જ્યારે આંખોથી નિહાળ્યું તો રહેવાયું નહિ એટલા માટે જ લખી રહ્યો છું.
સમાજની જાહેર સુખાકારી અને વિકાસમાં અવરોધક બનતા તત્ત્વ એટલે ગરીબી એમ કહું તો ખોટું નથી. જ્ઞાતિભેદ, નિરક્ષરતા, અસ્પૃશ્યતા જેવાં સામાજિક અનિષ્ટોમાં સૌથી વિશેષ વિનાશકારી હોય તો એ ગરીબી છે. કોઈ પણ દેશનો સામાજીક વિકાસને રૂંધતો મહારોગ હોય તો એ ગરીબી છે. આપણા બાળકોને જ્યારે આપણે આ શાળા સારી કે બીજી એની શોધમા હોઈએ ત્યારે ખરેખર આ બાળકો કે જેમને એક ટંક જમવાનું મળશે કે શું તે વિચારતા હશે! બિચારા લાચાર માતા-પિતા પોતાના બાળકોનો પેટનો ખાડો પૂરવા બાળકોને આજુ બાજુ સુવડાવી દિવસ રાત કાળી મજૂરી કરે ત્યારે ખરેખર એવું લાગે કે શું એમની દુનિયા હશે અને શું એમનું ભવિષ્ય!
પરંતુ કહેવત છે ને કે “સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી” એવા ઘણા બાળકો છે જે પોતાનું એક ટંક ભોજન નથી જમી શક્યા પરંતુ દુનિયા માટે સફળ થઈ ઇતિહાસ રચી દીધો અને ઘણા એવા બાળકો છે જેમના માતા પિતા એ વધારે પડતી એમની કાળજી રાખી તેમના વ્યક્તિત્વનો વિકાસ પણ રુંધ્યો છે.
BY નિરલ પટેલ

