કેવડીયા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેવડિયાને દેશનું સૌથી પહેલું ઈલેક્ટ્રિકલ વ્હીકલ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઈ-રીક્ષાઓ સ્થાનિક મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. દેશ- પ્રદેશ માંથી આવતા પ્રવાસીઓને SOU સુધી લઈ જવા અને આવવા માટે ચલાવાતી ઈલેક્ટ્રિક રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે કેવડિયામાં બનાવેલ પાર્કિંગ વ્યવસ્થામાં અચાનક ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષામાં આગ લાગી હતી. આ આગ જોત જોતામાં વિકરાળ બની અને 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં દિવસભર ઈલેક્ટ્રિક રીક્ષાને ચલાવ્યા બાદ રાત્રીના સમયે કેવડિયામાં જ બનેલા પાર્કિંગમાં 50થી વધુ ઈ-રીક્ષાઓ મૂકવામાં આવી હતી, જ્યાં તેનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું. જેમાં ગત રાત્રે ચાર્જિંગમાં મૂકેલી આ ઈ-રીક્ષામાં આગ લાગી ગઈ હતી. આ આગ લાગવાની ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમ થતાં તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને અન્ય કેટલીક ઈ-રીક્ષાઓને ત્યાંથી હટાવી લેવા આવી હતી જેથી વધુ રીક્ષાને મોટું નુકસાન થતા અટકાવી લીધું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, હાલમાં સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસમાં કરી રહી છે કે, આ આગ કયા કારણોથી લાગી હતી, જેના કારણે 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ. આપને જણાવી દઇએ કે, અગાઉ પણ અનેક ઇ રીક્ષામાં આગ લાગવાની ઘટનાઓ બની છે, જે એક તપાસનો વિષય છે કે, ઇ-રીક્ષામાં વારંવાર કેમ આવું બની રહ્યું છે, ગુણવત્તાને લઈને પણ સવાલો ઉથી રહ્યા છે.