વાંસદા: ખેડૂતોની જીવાદોરી સમાન વાંસદા તાલુકામાં આવેલ કેલિયા ડેમ ચીખલી તાલુકા ગામોમાં પણ સિંચાઈ માટે ખુબ જ મહત્વનો છે ત્યારે હાલમાં જ ચીખલી તાલુકાના ઢોલુંન્બર ગામના એક ખેડૂત દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે કેલીયા ડેમનું વહીવટીતંત્ર લાપરવાહી વર્તી રહ્યું છે.

Decision News સાથે વાત કરતા ઢોલુંન્બર ગામના પરાગ ફળીયાના સંજયભાઈ પટેલ જણાવે છે કે કેલિયા ડેમની નહેર ખાતાની લાપરવાહીના કારણે રાતના ખેડૂતોને જાણ કર્યા વિના પાણી છોડી દેવામાં આવ્યું જેથી ખેતરમાં પડેલા સૂખા ઘાસ ચારા પાણીમાં બોળાઈ ગયા છે. સહકારી મંડળીઓ દ્વારા પાણી પિયત વેરો તો વસૂલ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને પૂછવામાં પણ નથી આવતું કે પાણી લેવા માંગે છે કે નથી લેવા માંગતા અને વર્ષને અંતે બેફામ બિલ ફાડીને આપી દેવામાં આવે છે.

વધુમાં તેઓ જણાવે છે કે જે ખેડૂત અવાજ ઉઠાવે છે એમના બીલ ઓછા કરવામાં આવે છે બાકી તો અન્ય ખેડૂતોના ઘરે ડેમ વહીવટીતંત્રના નક્કી કરાયેલા ધારધોરણ કરતા વધારે બીલો આવે જ છે. અને જ્યારે પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે ખેડૂતો પૂછ્યા વગર પાણી છોડવામાં આવતા પાણીનો ખાસ્સો વેડફાટ થાય છે. હવે આ બાબતે કેલીયા ડેમ સમિતિ શું નિર્ણય લે એ જોવું રહ્યું..