નર્મદા: ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળા દરમિયાન સોર્ટ સર્કિટ અને અન્ય કારણોથી આગ લાગવાની આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે, જેમાં અનેક કાચા ઘર હોવાથી એક સાથે ઘરો બળીને ખાક થઈ જતાં હોઇ છે અને પરિવારો નિરાધાર બની જતા હોય છે કારણ કે ઘરમાં રહેલ જીવન જરૂરી સામાન સહિતી વસ્તુઓ બળી જતી હોઇ છે. આવી જ ઘટનાઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં બની હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વિવિધ આગજનીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ગત મે મહિનામાં પાટવલી ગામના 14, મોરજડી ગામમા 1, કોકમ ગામના 3 અને નાની બેડવાણ ગામમા 1 એમ કુલ મળીને 19 ઘરોમાં આકસ્મિક આગ લાગવાથી બળી જતાં ઘરવખરી નાશ પામી હતી. જે ઘટનાઓમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર થયેલ રૂપિયા 15 લાખની સહાયના ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.

આ ચેક વિતરણ દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા વસાવા હસ્તે કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત મોરજડી બેઠકના સદસ્ય અને સિંચાઈ સમિતિના ચેરમેન સોમ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય રમેશ વસાવા, દેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત સ્થાનિક સરપંચો, તલાટીઓ તેમજ અન્ય કર્મચારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં.