નર્મદા: દક્ષીણ ગુજરાતમાં વર્તમાન સમયમાં વિવિધ જીલ્લોના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ધરતી પુત્રોમાં પોતાના લીલા શાકભાજી, ડાંગર, કેળા, કપાસ, તુવરના પપાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાના ચિંતાના વાદળો છવાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાના કારણે વાદળછાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે વલસાડ, નવસારી ડાંગ, છોટાઉદેપુર, નર્મદાના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જયારે આજે ખેડા અને પંચમહાલ જિલ્લા સહિત વિવિધ વિસ્તારમાં માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેમજ આજે પણ અનેક શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરી છે.