નવસારીના વાંસદા પંથકની બેંકોનાં ATM સતત કેટલાય દિવસોથી નાણાંની અછતથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. દિવાળી અને નવા વરસનો તહેવાર સામે આવી રહ્યો છે ત્યારે લોકો ખરીદી કરવા માટે પૈસા ઉપાડવા ATMમાં જાય છે પરંતુ નાણાં ન હોવાથી નિરાશ થઇ પાછા ફરવાની નોબત આવી રહી છે.
વાંસદામાં બેંકમાં જઈ પૈસા ઉપાડવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડે છે. બેંકોમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે. હવે લોકડાઉન બાદ પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે ત્યારે વાંસદાની આજુબાજુના પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓએ પણ ATMમાં નાણાં ન નીકળતા લટકેલા મોંએ પાછા ફરે છે.
તાલુકામાં આવેલાં કેટલાંય સ્થળોએ વિવિધ બેંકના ATMમાં નાણાંને લઈ વારંવાર લોકો ધરમનાં ધક્કા ખાઈ રહ્યા છે. વાંસદા બજારમાં તેમજ ચાર રસ્તા અને પેટ્રોલ પંપ નજીક આવેલા ATMને ગ્રહણ લાગ્યું હોય તેમ અહીં કેશની અછત એ રોજની ફરિયાદ બની ગઈ છે. માત્ર SBIના એટીએમમાં નાણાં હોવાના કારણે ત્યાં મોટી કતારો જોવા મળી રહી છે પરંતુ ભીડ વધી જવાને કારણે બેંક દ્વારા પણ ભારે લાપરવાહી વર્તવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા અપાતી ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવતું ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે કોરોના વાયરસની મહામારીમાંથી હજુ સૌ કોઈ ઉભરી રહ્યા છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ પણ અહીં જળવાતું જોવા મળ્યું ન હતું તેમજ કેટલાય લોકો દ્વારા ATM મશીનનો ઉપયોગ કરવાના કારણે સંક્રમણ ફેલાવવાનો ભય પણ રહે છે. કેટલાય લોકો ATMમાં કેશ નહીં મળતાં નિસાસા નાંખી જતાં રહે છે.
શહેરની વિવિધ બેંકોના ATMની સગવડ સાવ જ ખાડે ગઈ છે. બ્રાન્ચની સાથે આવેલા ATM પણ નાણાં વગરની હાલતમાં જોવા મળી રહ્યા છે. જો ATMમાં પૈસા ભરવા જ નથી તો બેંક બંધ મશીનોને ઠંડા રાખવા ૨૪ કલાક એસી ચાલુ રાખી પૈસાના ધુમાડા શું કામ કરે છે એ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બેંકનું ATM વારંવાર શા માટે કેશ વિનાના જોવા મળી રહ્યા છે ? શું બેંક આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે કે પછી બેંક પાસે ATMમાં ભરવા પૂરતી કેશ જ નથી ? લોકોમાં જોરશોરથી એવી ચર્ચા ચર્ચાઈ રહી છે લોકો આવનારા સમયમાં બેંકોની બેદરકારી વિષે શું નિર્ણય લેશે એ આવનારો સમય બતાવશે.