નર્મદા: વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં રાજ્યભરમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં છે. ત્યારે આજરોજ નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડૉ પ્રફુલ વસાવાના પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા (નાંદોદ) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સ્ટાર પ્રચારક તરીકે આવ્યા હતા. નાંદોદ નગરમાં નીકળેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વધુ મતથી જીતે તે માટે દરેક પાર્ટી દિવસ-રાત પ્રચાર કરી રહી છે. ત્યારે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ પ્રફુલભાઈ વસાવા માટે પ્રચાર કરવા આવ્યા હતા, આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં તેમણે નાંદોદ વિધાનસભાની જનતાને શારું શિક્ષણ, આરોગ્ય, યુવાનોને રોજગારી મળે એ માટે વોટ આપવા અપીલ કરી હતી.
ભગવંત માને કાફલાને મેઈન બજાર વચ્ચે થોભાવી રેલીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું, ભગવંત માનએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે, ભાજપ પાસે જનતાના લુટેલા ઘણા પૈસા છે, ઘરે આવેલી લક્ષ્મીને પાછી ન જવા દેતા, ભાજપના પૈસા લેજો પણ વોટ “આપ” ને આપજો. ભાજપ 27 વર્ષ દરમિયાન સ્કૂલ, હોસ્પિટલ, બેંક, રોડ, જંગલ, એરપોર્ટ ખાઈ ગયું છે, એમણે બધું જ લુંટી લીધું છે. અમારી પાર્ટી સર્વેમાં નથી આવતી પણ સીધી જ સરકારમાં આવી જાય છે, સર્વે તો ઘરે બેસીને બનાવાય છે, તેમણે જણાવ્યું હતું કે, પંજાબમાં અમે જે વચનો આપ્યા એ પુરા કર્યા છે. ભાજપ સરકારના રાજમાં આરોગ્યની સુવિધાઓ જેમ કે હોસ્પિટલનો અભાવ, શિક્ષણનું ખાનગી કરણ, રસ્તા, ભ્રષ્ટચાર, પેપર ફૂટ્યા છે અને જનતા ત્રસ્ત બની છે.
ભગવંત માનને જણાવ્યું હતું કે, પરિવર્તન માટે સારુ શિક્ષણ, આરોગ્ય, યુવાનોને રોજગારી, સિસ્ટમને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે અને પેપર લિંક રોકવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે મદદની અપીલ કરી હતી. ગુજરાતમાં સરકાર બનશે એટલે પંજાબ અને દિલ્હીની જેમ તમામ વચનો પૂરા કરવામાં આવશે.

