છોટાઉદેપુર: ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોતાના પક્ષથી નારાજ નેતાઑ પાર્ટી બદલી રહ્યા છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના આદિવાસી કદાવર નેતા ગણાતા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. ભાજપ નેતા દિલીપ સંઘાણી, પ્રદીપસિંહ વાઘેલા સહીતના ભાજપના નેતાઑએ તેમને કેસરીયો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના આદિવાસી દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. બાદમાં આજે આદિવાસી સમાજમાં લોકચાહના ધરાવતા નેતા મોહનસિંહ રાઠવા પણ ભાજપના કેસરિયા રંગે રંગાતા કોંગ્રેસમાં એક સાંધે ત્યા તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાજપમાં જોડાયા બાદ મોહન રાઠવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કમલમમાં આવવાનો મોકો મળ્યો અને ભાજપમાં જોડાવું મારુ સૌભાગ્ય છે. કોંગ્રેસમાં ઘણા વર્ષો કામ કર્યું પણ સમય સમય બળવાન હોવાનું જણાવી મોહન રાઠવાએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિકાસના કામો સાથે મળીને કરશું તેમ પણ ઉમેર્યું હતું. વધૂમાં દિલીપ સંઘાણીના લીધે મને આ તક મળી હોવાનું મોહન રાઠવાએ કહ્યું હતું.
આપને જણાવી દઇએ કે, મોહનસિંહ રાઠવા 11 વખત ચૂંટણી લડ્યા હતા જેમાંથી તેઓ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મોહનસિંહ રાઠવા 1972થી વિધાનસભાની ચૂંટણીથી 1998ની વિધાનસભા ચૂંટણી સુધી સળંગ 7 ટર્મ સુધી જેતપુર પાવી બેઠકના ધારાસભ્ય રહ્યાં હતા. જોકે 2002માં તેમને ભાજપના વેચતભાઈ બારિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ 2007માં તેઓ ફરી જેતપુર પાવીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. છેલ્લી બે ટર્મ એટલે કે 2012 અને 2017ની ચૂંટણી તેઓ છોટાઉદેપુર બેઠકથી લડ્યા હતા અને આ બન્ને ટર્મમાં તેમનો વિજય થયો હતો.
જાણકારોનું માનીએ તો, દીકરા રાજેન્દ્રસિંહ માટે પિતાએ પક્ષપલટો કર્યો છે. પિતાએ દીકરાની ટિકિટ માટે 5 દાયકા સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ પક્ષપલટો કરી કેસરિયો ધારણ કર્યો છે. ભાજપ પાવી જેતપુર બેઠક પર રાજેન્દ્રસિંહને ટિકિટ આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

