ખેરગામ: નવું વર્ષ કોઈ પરિવાર માટે ખુશીઓ લઈને આવ્યું તો કોઈ પરીવાર માટે દુ: ખના આંસુ લઈને.. ખેરગામ આછવણી ગામમાં રહેતો પરીવાર દિવાળીના તહેવારમાં મામાને ત્યાં જવા એક્ટિવા પર નીકળ્યા ત્યારે ઘોલાર ગામમાં ટેમ્પા સાથે અકસ્માત થયો અને તેમાં એક વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત નીપજ્યાંની ઘટના બનવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ખેરગામના આછવણી કોલ ફળિયામાં રહેતા હિતેશભાઈ જગદીશભાઇ પટેલ દિવાળીનો તહેવારની ઉજવણી માટે પોતાની પત્ની ટીંકલબેન પટેલ અને પુત્ર આરવ સાથે રાનવેરીખુરદ મામાને જવા નીકળ્યા હતા ત્યારે તેમની એક્ટિવા GJ-21-BP-4409 નંબરની બાઈક સાથે ધોલાર ગામના ડુંગરી ફળિયા સામેથી આવી રહેલ ટેમ્પો સાથે જીવલેણ અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં હિતેશ પટેલ જમણા હાથના ખભાના ભાગે ગંભીર રીતે ઘાયલ બન્યા હતા અને તેમની પત્ની ટીંકલબેનને જમણા હાથના બાવડા ભાગમાં ઈજા થવા પામી હતી. જ્યારે એક વર્ષના નાના આરવને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધો હતો જેના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. અકસ્માત કરી ટેમ્પો ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયાનું હાલ જાણવા મળ્યું છે.

