ધરમપુર: અત્યારે થોડા સમયથી આદિવાસી સમાજના અપમાનનો જાણે અમુક લોકોએ ઠેકો લઇ રાખ્યો હોય એવું લાગે છે. લાગણીઓ દુભાય એવા ગેરમાર્ગે દોરતા વાક્યના પ્રયોગ કરવાના.અને વિરોધ થાય તો પાછા ખેંચી લેવાના અને જો વિરોધ નહીં થાય તો કાળક્રમે લોકોના મગજમાં ધીમા ઝેરની જેમ ધીરે ધીરે ઘુસાડતા જવાનું..

આવો જ કિસ્સો ધરમપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાય આયોજકો દ્વારા બહાર પડાયેલા આમંત્રણમાં જોવા મળ્યો તેમના દ્વારા છપાવવામાં આવેલા આમંત્રણ પત્રિકામાં આદિવાસી ભાઈઓ બહેનોને વનવાસી ભાઈઓ -બહેનો ના નામે સંબોધીયા હતા. ત્યાર બાદ સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકોના સજ્જડ વિરોધથી આયોજકોની અક્કલ ઠેકાણે આવતા વનવાસી શબ્દ બદલીને એક જ દિવસમાં આદિવાસી શબ્દ છાપવામાં આવ્યો.

સમસ્ત આદિવાસી સમાજના નવસારીના પ્રમુખ ડો. નિરવ પટેલ જણાવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ નહીં પરંતુ કોઈપણ વ્યક્તિ, પક્ષ, પાર્ટી, સંપ્રદાય, સમાજ કે સંસ્કૃતિનું અમે હંમેશા સન્માન કરીએ છીએ. પરંતુ અમારી શાંતિ અને સરળતાને અમારી નબળાઈ સમજીને જો કોઈ આદિવાસી સમાજના અપમાનનો બિનજરૂરી પ્રયાસ કરશે તો હવે સરસ સ્વાગત માટે તૈયાર રહેવું પડશે તે વાત અમુક સમાજ વિરોધી મનોરોગીઓએ શાનમાં સમજી લેવી પડશે.