વલસાડ: ગતરોજ વલાસાડના સેગવી વિસ્તારમાં જનતા રેડમાં સરકારી અનાજનો ગેરકાયદે 50 કિલોની 39 ગુણી ચોખાનો જથ્થો અને 2 ગુણી તુવેર દાળનો જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત 3 ઇસમોને ઝડપી પાડયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના સેગવી ગામના લોકોને ટેમ્પો ન. GJ-15-XX-1602માં ગેર કાયદેસર રીતે ભરી અનાજનો જથ્થો સગેવગે કરાઈ રહયાની માહિતી મળી ત્યાર બાદ લોકો ટેમ્પોની વોચમાં ઉભા હતા. ત્યારે બાતમી વાળો ટેમ્પો આવતા જનતા રેડમાં લેબલ વગરની ગુણીમાં ચોખા અને તુવેર દાળનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ચોખાની 50 કિલોની 39 ગુણી અને 40 કિલોની તુવેર દાળની 2 ગુણી મળી આવી હતી.
સ્થાનિક લોકોએ ટેમ્પો ચાલક અને 2 મજૂરોને અટકાવી ગામના સરપંચ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસે ટેમ્પો અને 39 ગુણી લેબલ વગરનો ચોખાનો જથ્થો અને તુવેર દાળનો જથ્થો સિઝ કરી ટેમ્પો ચાલક સહિત 3 ઇસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.