વાંસદા: છેલ્લા બે દિવસમાં વાંસદા તાલુકામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળે છે. રાત્રે 9:38 વાગ્યે એક આંચકો આવ્યો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે બીજો આંચકો આજે સવારે 6.48 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ હતી.
રાત્રે 9:38 કલાકે આવેલા આંચકાનું કેન્દ્ર વાંસદા નજીક હોલીપાડા ખાતે નોંધાયું હતું. જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું હતું. આમ, સતત બીજા દિવસે એટલે કે ભૂકંપના બે આંચકા લોકોમાં અનુભવાયા છે.
ઉલ્લેખનીય છે કે નવસારીના વાંસદામાં એક મહિના પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9 હતી અને તેનું કેન્દ્ર નવસારીથી 42 કિમી પૂર્વમાં હતું. લગભગ એક મહિના પહેલા નવસારીના વાંસદામાં 20 દિવસમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. ત્યારે ફરી એકવાર વાંસદા તાલુકામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

