સુરત: આવતીકાલે સુરતના ઉમરપાડામાં સરકાર સામે બોગસ આદિવાસી સર્ટિફિકેટ મુદ્દે ‘બોગસ આદિવાસી હટાવો સમિતિ’ દ્વારા આંદોલનની તૈયારી કરવામાં આવી ચુકી છે. આ આંદોલનમાં તબક્કાવાર સમિતિ દ્વારા કાર્યક્રમો રાખવામાં આવશે.
Decision Newsને મળેલી માહિતી મુજબ બોગસ આદિવાસી હટાવો સમિતિ’ દ્વારા આંદોલન દરમિયાન ધરણાં, સરકારી કાર્યક્રમનો બહિષ્કાર તેમજ કચેરી ઘેરાવના કાર્યક્રમ રખાશે. અને તેમાં હજારોની સંખ્યામાં આદિવાસી જનસમુહો ભાગ લેશે.
આદિવાસી આગેવાનોનું કહેવું છે કે હાલમાં બોગસ આદિવાસી બની જવાના કારણે મૂળ આદિવાસી હોવા છતાં પોતાના હકના લાભોથી વંચિત રહે છે. આદિજાતિ ખેડૂતોને અપાતી વિવિધ સરકારી યોજનાના લાભમાં અસર પડી રહી છે. સરકારી નોકરી મેળવવામાં મૂળ આદિવાસી યુવાનો અનામતનો લાભ લઈ શકતા નથી વગેરે અનેક બાબતોથી હવે આદિવાસી લોકો ત્રસ્ત બન્યા છે અને સરકાર પણ તેમના પ્રશ્નો સાંભળવા કે તેના ઉકેલમાં રસ દાખવતી નથી ત્યારે હવે સરકારનો બહિષ્કાર કરવાની તૈયારી હવે કરી લેવામાં આવી છે. આવતીકાલે સુરતના ઉમરપાડા ખાતે આદિવાસી સમાજના લોકો વિરોધ કરશે.