ખેરગામ: જાણીતા યુવા સામાજિક આગેવાન અને સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ તેમજ અનેક યુવાનો, વડીલોના આદર્શ એવા ડો.નિરવ ભુલાભાઇ પટેલનું રૂમલા નહેર પર આવેલ બેનર ગતરોજ રાત્રીના અંધકારનો લાભ લઈ ફાડી નાંખતા ખેરગામના યુવાનોમાં ભારે આક્રોશની લાગણી ફેલાય હતી અને આ બાબતે ખેરગામ પોલિસને ઉદ્દેશીને લેખિત ફરિયાદ આપી આરોપી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ ખેરગામના પ્રવક્તા દલપત પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે ડો. નિરવભાઈ એક એવા વ્યક્તિ છે જે સ્વખર્ચે સામાજિક, આર્થિક પરિસ્થિતિ અને નાતજાત જોયા વગર અનેક લોકોને મદદ કરતા આવ્યા છે.એમની સતત થતી પ્રગતિ અને લોકસેવાના કાર્યો કોઈ બળતરાબાજથી સહન નથી થઇ શકયા.માટે નિર્બળની માફક છુપાયને આ હુમલો કરવામાં આવ્યો છે.આ હુમલો બેનર પર નહીં, અમારા જેવા અનેક યુવાનોના હૃદય પર કરવામાં આવ્યો છે,આજે બેનર પર હુમલો કરવામાં આવ્યો, આવતીકાલે આવા અસામાજિક લોકોને કાયદાકીય સબક નહિ શીખવાડવામાં આવે તો અંગત હુમલો પણ કરી શકે છે.

આથી આવા મનોરોગી અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે કાયદાનું ભાન કરાવવું ખુબ જ જરૂરી છે.જો પોલિસતંત્ર આ વાત ગંભીરતાની નહીં લે અને સમયસર આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આક્રોશિત યુવાનો પોતાની રીતે આરોપીને શોધીને કાયદો હાથમા લેશે તેની સંપૂર્ણ જવાબદારી પોલિસ વિભાગની રહેશે તે વાત પોલિસ વિભાગ દ્વારા ધ્યાને લે એવી વાત ઉચ્ચારી હતી.