સાપુતારા: રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હાલમાં ચોમાસાની ઋતુ પણ ધીરે ધીરે જામી રહી છે. ત્યારે  ગિરિમથક સાપુતારા ખાતે રવિવારની રજાને માણવા પ્રવાસીઓનો જનસેલાબ ઉમટી પડતા ઠેરઠેર ભારે ભીડ થઈ જવા પામી હતી..

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે સર્વત્ર લીલોતરીએ પગરવ માંડી દીધો છે. રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેનાં જોવાલાયક સ્થળોએ ગિરીકન્દ્રાઓ ફૂટી નીકળી છે. જેનાં પગલે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ દિવસે ને દિવસે આહ્લાદક બની રહ્યુ છે. આજે રવિવારે ગિરિમથક સાપુતારાનાં આહલાદક વાતાવરણમાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા. શનિ રવિની રજાઓમાં ગિરિમથક સાપુતારાની હોટલો અને રેસ્ટોરન્ટ પર હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. સાપુતારાનાં સ્વાગત સર્કલ, સર્પગંગા તળાવ, ટેબલ પોઈંટ સહિતનાં સ્થળોએ પ્રવાસી વાહનોનો ખડકલો થઈ જતા પાર્કિંગની અરાજકતા ઉભી થઇ હતી. ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે પ્રવાસી વાહનોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા સાપુતારા ઘાટમાર્ગમાં સમયાંતરે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.

રવિવારે દિવસ દરમ્યાન ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલે પણ વિરામ લેતા ફરવા આવેલ પ્રવાસીઓએ ઘોડેસવારી, ઊંટ સવારી, બાઈસીકલ સવારી, બોટીંગ સવારી, ટ્રેન સવારી,રોપવે સવારી સહિત પ્રકૃતિ અને એડવેન્ચર એક્ટિવિટીનો ભરપૂર આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.