ડાંગ: થોડા સમય પહેલાં જ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે મજૂર અધિકાર મંચનાં નેજા હેઠળ શેરડી કામદારોનું મહાસંમેલન યોજાયુ હતું જેમાં સ્થાનિક આદિવાસી શેરડીના કાપણીનું કામ કરતા મજુરો મોટા પ્રમાણમાં એકઠા થયા.
Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે મજૂર અધિકાર મંચનાં નેજા હેઠળ દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓમાં શેરડી કાપણીની કામગીરી કરતા કામદારોનું મહાસંમેલન યોજાયુ હતુ. આ મહા સંમેલનમાં શેરડી કાપણી કરનાર મજૂરોનાં પ્રશ્નો બાબતે લડત આપનાર એડવોકેટ આનંદ યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ગુજરાત સરકાર દ્વારા તા.05-02-2022 નાં રોજ શેરડી કાપણીનાં કામદારો માટે લઘુતમ વેતન 476 રૂપિયા પ્રતિ ટન ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા જાહેર કરેલ છે અને આ નોટિફિકેશનનું જ્યાં સુધી ગેઝેટ કરવામાં ન આવે ત્યાં સુધી નવી સીઝનમાં કામે ન જવા માટેનો અહી ઠરાવ કર્યો હતો. મજૂરોને નવી સીઝન માટેનાં કરારો ન કરવાનું ઠરાવ્યુ હતુ.
દક્ષિણ ગુજરાતનાં શેરડી કાપણી કરનાર મજૂરોની વિવિધ માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી સુગર મિલો સાથે કરારો નહી કરવાનું ઠરાવ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે યોજાયેલ મહાસંમેલનમાં મજૂર અધિકાર મંચનાં સેક્રેટરી જયેશ ગામીત સહિત મોટી સંખ્યામાં શેરડી કાપણી કરનાર મજૂરો અને મુકાદમો હાજર રહ્યા હતા.

