ડાંગ: ગુજરાતમાં દારૂબંધી માત્ર અને માત્ર નામની હોય એમ ગુજરાતમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે સાપુતારા ચેકપોસ્ટ પરથી દારૂનો જથ્થો ભરેલ ટાટા ટેમ્પોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં એસ.પી રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ દારૂ બદીને નેસ્તાનાબૂદ કરવા માટે ગતરોજ સાપુતારા પોલીસની ટીમે સાપુતારાનાં ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ.અહી સાપુતારા ચેકપોસ્ટ પર વાહનોની ચેકીંગની કામગીરી ચાલી રહી હતી.તે વેળાએ સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં આવી રહેલ ટાટા ટેમ્પો નંબર MH-04-KU-4051 ને સાઈડમાં ઉભો રાખી ચેકીંગ હાથ ધર્યુ હતુ. સાપુતારા પોલીસની ટીમે ટાટા ટેમ્પોનું ફાલકુ ખોલી જોતા કેબીનની પાછળનાં ભાગે ચોરખાનુ જણાયુ હતુ. જેથી પોલીસની ટીમે ચોરખાનુ ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની કુલ બોટલ નંગ 1464 મળી આવી હતી.અહી સાપુતારા પોલીસની ટીમે રૂપિયા 1,27,200નો દારૂનો જથ્થો તથા 1000નો મોબાઈલ તેમજ રૂપિયા 10,00,000નો ટાટા ટેમ્પો મળી કુલ 11,28,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચાલક પ્રેમસિંગ શંકર દેવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાપુતારા પોલીસની ટીમે ટાટા ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સેલવાસથી ભરી મહારાષ્ટ્રનાં બોરગાવથી વાયા થઈ ગુજરાતમાં લઈ જવાનું કબલ્યુ હતુ. આ દારૂનાં જથ્થા સાથે સંકળાયેલા અન્ય સાગરીત નામે ગણેશસિંગ ભાગવતસિંગ રે.ખરવડ સુરત તથા બોરગાવ સુધી ટાટા ટેમ્પો લઈ આવનાર એક ચાલક તથા અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ શોધખોળ હાથ ધરવામાં આવી છે.