ધરમપુર: ગતરોજ ધરમપુરના મહારાણા પ્રતાપ મેરેજ હોલમાં આદિજાતિ મોરચો વલસાડ દ્વારા યોજાયેલા આદિજાતિ સ્‍વસહાય જૂથોના સન્‍માન કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાનેથી કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણીપુરવઠો વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી હસ્‍તે ધરમપુર તાલુકાના ૧૦ સ્‍વસહાય જૂથ અને ૦૩ મહિલા સંચાલિત દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીઓને મંત્રીશ્રી, ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ તથા મહાનુભવોની ઉપસ્‍થિતિમાં સન્‍માનપત્ર આપી સન્‍માનિત કરાયા હતા.

આ અવસરે પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઇ ચૌધરીએ દૂધ મંડળીઓ, આંગણવાડી, સખીમંડળની મહિલાઓની મહેનતને બિરદાવતાં જણાવ્‍યું હતું કે, સફળતાપૂર્વક જવાબદારીઓ ઉઠાવતી આવી રહેલી મહિલાઓને સરકાર દ્વારા પુરસ્‍કાર આપી સન્‍માનિત કરીને પ્રોત્‍સાહન આપવામાં આવી રહયું છે. આજની મહિલાઓ ઘર ચલાવવાથી લઈ બાળકોને સંસ્‍કાર આપવાની જવાબદારી નિભાવી પુરુષ સમોવડી બની રહી છે. આવનારા દિવસોમાં મહિલાઓ પોતાની રીતે પગભર થાય એવા તમામ પ્રયત્‍નો સરકાર કરી રહી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. તેમણે અભ્‍યાસ માટે જતી આદિજાતિની વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર ગુજરાતમાં સુવિધાયુક્‍ત હોસ્‍ટેલ ઊભી કરવાની સાથે સ્‍કોલરશીપ, ફી પણ આપી રહી હોવાનું જણાવી તેમણે કન્‍યા કેળવણી સહિત વિવિધ યોજનાની વિસ્‍તૃત જાણકારી આપી હતી. ભારત સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત આઠ કરોડ કુટુંબોને ગેસ કનેકશન આપી બહેનોને ધુમાડામાંથી મુક્‍તિ અપાવી છે. કોરોના કાળમાં સરકારે ગરીબોની ચિંતા કરી મફત અનાજ આપવાની યોજના બનાવી પેટનો ખાડો પુરવા ૮૦ કરોડ વસતિને મફત અનાજ આપવાનું ભગીરથ કામ કર્યું છે.

ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે આદિજાતિ મહિલાઓ માટે વડાપ્રધાનની અનેક કલ્‍યાણકારી યોજના અમલમાં આવી છે એમ જણાવી ગરીબ કલ્‍યાણ મેળાઓમાં મહિલાઓના ગ્રૂપને એક લાખ રૂપિયા સુધી ઝીરો ટકા વ્‍યાજે મળેલી લોનથી ધંધા રોજગાર શરૂ કર્યા છે. ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ દૂધ મંડળીઓ ચલાવી કરકસર કરી આર્થિક રીતે જીવનધોરણ ઊંચું લાવી રહી છે. કોરોના સમયમાં મફત અનાજ, ૧૨૫૦ રૂપિયા વિધવા પેન્‍શન, રાજ્‍યબહાર મેડિકલ, પીટીસી સહિતના અભ્‍યાસની ભરેલી ફી શિષ્‍યવૃતિ પેટે પરત મળતી હોવાની સરકારની અનેક યોજનાના લાભોની વિસ્‍તૃત માહિતી આપી સરકારની યોજનાના સથવારે આર્થિક ઉન્‍નતિનો સંકલ્‍પ કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે પ્રદેશ આદિજાતિ મોરચા ઉપપ્રમુખ મહેશભાઈ ગામિતે જણાવ્‍યું હતું કે, મહિલા સશક્‍તિકરણ માટે ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓના અમલીકરણ કરી પ્રોત્‍સાહિત કર્યા છે. તેમણે મહિલા વિકાસ યોજના, આયુષ્‍યમાન ભારત સહિતની વિવિધ યોજનાના લાભોની માહિતી આપી હતી.

વલસાડ જિલ્લા આદિજાતિ મોરચા પ્રમુખ નવિનભાઈ ભોયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં કોરોના કાળમાં નિધન થયેલાઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ અવસરે ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાંવિત, ધરમપુર તાલુકા પંચાયત કારોબારી અધ્‍યક્ષા સુરેખાબેન પટેલ, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા, જિલ્લા પંચાયત સભ્‍ય ઉર્મિલાબેન બિરારી, ધરમપુર તાલુકા સંગઠન પ્રમુખ કેતન વાઢુ, મહામંત્રી ધનેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્‍યામાં બહેનો ઉપસ્‍થિત રહી હતી.

BY અંકેશ યાદવ